તિરુવનંતપુરમ : કેરળમાં કૂવો સાફ કરતી વખતે અકસ્માતમાં એક મજૂરનું મોત થયું છે. તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિંજમમાં સફાઈકામદાર કુવામાં સફાઇ કરવા ઉત્યો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો. જોકે, ત્રણ દિવસ સુધી રાત-દિવસ રેસ્ક્યુ ઓપરેશન બાદ તેમના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સફાઈ કામદાર ના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. ઉલ્લેખનિય છે કે, મૃતકની ઓળખ તમિલનાડુના રહેવાસી મહારાજ ઉં.55 તરીકે થઈ છે.
અચાનક માટી ધસી પડી : 8 જુલાઈ શનિવારના રોજ સવારે 9.30 કલાકે આ બનાવ બન્યો હતો. 30 વર્ષ જૂના કુવામાંથી એક કામદાર માટી કાઢી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો હતો. કુવામાં લગાવેલ પંપ સેટ અને તેને લગતા સાધનોને દોરડા વડે બહાર કાઢવામાં આવી રહ્યા હતા. ત્યારે અચાનક માટી ધસી પડી હતી. તેની પકડમાં આવી જતા મહારાજ અને અન્ય એક મજૂર કૂવામાં પડી ગયા.જોકે, અન્ય એક મજૂરે ચમત્કારિક રીતે એક મજૂરને બચાવી લીધો હતો. જ્યારે મહારાજ કુવામાં ફસાયેલા રહ્યા હતા.
48 કલાકની મહેનત : લોકોનું કહેવું છે કે, મહારાજના પડતાની સાથે જ કૂવાની ઉપરની માટી ધસી પડી હતી. જેના કારણે બચાવ કાર્ય મુશ્કેલ બન્યું હતું. બાદમાં જ્યારે વરસાદ પડ્યો હતો. જેના કારણે કૂવો પાણીથી ભરાઈ ગયો. ત્યારે બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની ગઈ. ભારે મહેનત કરવા છતાં મહારાજની ભાળ મળી નહોતી. જોકે, 48 કલાકથી વધુની જહેમત બાદ સોમવારે સવારે મહારાજા મળી આવ્યા હતા.
બચાવ કામગીરી : વરસાદને કારણે કૂવામાં પાણી ન ભરાય તે માટે તાડપત્રી બાંધીને કૂવાને ઢાંકવામાં આવ્યો હતો. બે પંપ સેટની મદદથી કલાકોની મહેનત બાદ કૂવાનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. પાણી કાઢતી સમયે મહારાજના હાથ જોવા મળ્યા હતા. માટી અને કાદવ દૂર કર્યા બાદ મહારાજાને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કોલ્લમ જિલ્લામાંથી કૂવા બાંધકામના કામદારોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી.