- 1983માં એક પોલીસ અધિકારી પર ખૂની હુમલો કર્યો હતો
- તિલક નગર પોલીસ સ્ટેશનની ટીમે રાજનને રોકવાનો પ્રયત્ન કર્યો હતો
- ટેક્સીમાંથી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી
મુંબઈ: CBIની વિશેષ અદાલતે 38 વર્ષ બાદ કુખ્યાત ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ નિકાલજે (Rajendra Sadashiv Nikalje ) ઉર્ફે છોટા રાજન (Chhota Rajan)ને એક કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. મુંબઈ અંડરવર્લ્ડ (Mumbai Underworld)માં ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના સૌથી મોટા દુશ્મન છોટા રાજન પર 1983માં એક પોલીસ અધિકારી (Police Officer) પર ખૂની હુમલાનો આરોપ હતો.
તિલક નગર પોલીસ સ્ટેશનની ટીમે છોટા રાજનને રોકવાનો પ્રયત્ન કર્યો હતો
આ કેસમાં છોટા રાજનનું પ્રતિનિધિત્વ કરતા વકીલ તુષાર ખંડારેએ જણાવ્યું હતું કે, તિલક નગર પોલીસ સ્ટેશનની એક ટીમે 1983માં છોટા રાજનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ટેક્સીમાંથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસ ટુકડીમાં 2 અધિકારીઓ અને 4 કોન્સ્ટેબલનો સમાવેશ થતો હતો, જ્યારે રાજનની સાથે કારમાં અન્ય 2 સાથીદારો પણ હતા.
છરીથી પોલીસ અધિકારીને ઇજા પહોંચાડી હતી
પોલીસે ટેક્સી રોકી ત્યારે છોટા રાજને છરી કાઢી અને એક પોલીસ અધિકારીને ઇજા પહોંચાડી હતી. પોલીસે છોટા રાજન અને તેના એક સાથીની ધરપકડ કરી હતી જ્યારે એક સાથી ફરાર થઈ ગયો હતો. છોટા રાજન સાથે ધરપકડ કરાયેલા તેના સાથીદારને બાદમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ રાજન સામેનો કેસ હજુ પેન્ડિંગ હતો.
CRPCની કલમ 235 (1) હેઠળ નિર્દોષ જાહેર
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ CBIના વિશેષ ન્યાયાધીશ એ.ટી. વાનખેડેએ ગુરુવારે છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો હતો. ન્યાયાધીશે છોટા રાજનને CRPCની કલમ 235 (1) હેઠળ નિર્દોષ જાહેર કર્યો છે.
આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહે'મારો પરિવાર-ભાજપ પરિવાર' સદસ્યતા અભિયાનની શરૂઆત કરી
આ પણ વાંચો: બેગુસરાયના સૌરભે કેબીસીમાં જીત્યા 25 લાખ, સૌરભની કહાની સાંભળીને બચ્ચન હેરાન