- પંજાબના નવા મુખ્યપ્રધાન તરીકે ચરણજિત સિંહ ચેન્ની આજે લેશે શપથ
- ચરણજિત સિંહ ચન્ની ત્રીજી વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા
- રાજકીય ઘમાસાણ વચ્ચે કેપ્ટન અમરિન્દર સિંહે મુખ્યપ્રધાન પદ પરથી શનિવારે આપ્યું હતું રાજીનામું
ચંદીગઢઃ પંજાબના નવા મુખ્યપ્રધાન તરીકે ચરણજિત સિંહ ચન્ની આજે સવારે 11 વાગ્યે ચંદીગઢમાં શપથ ગ્રહણ કરશે. જે રીતે કેપ્ટન અમરિન્દર સિંહે રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નવા મુખ્યપ્રધાન કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી હતી. તેવામાં કોંગ્રેસ હાઈકમાન્ડે નવા મુખ્યપ્રધાનના પદનો કળશ ચરણજિત સિંહ ચન્ની પર ઢોળ્યો હતો. ચરણજિત સિંહ ચન્ની ત્રીજી વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.
આ પણ વાંચો- અંબિકા સોનીએ મુખ્યપ્રધાન બનવાની ના પાડી, સસ્પેન્સ યથાવત..શીખ કે બિન-શીખ, કોણ બનશે પંજાબના 'સરદાર'?
પંજાબમાં 2 નાયબ મુખ્યપ્રધાન હશે
પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીનો જન્મ પંજાબના ભજૌલી ગામમાં વર્ષ 1963માં થયો હતો. તેમનો પરિવાર મલેશિયામાં રહેતો હતો. તેમના પિતા મલેશિયામાં જ નોકરી કરતા હતા, પરંતુ પછી વર્ષ 1955માં તેઓ પંજાબ પરત ફર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચરણજિત સિંહ ચન્નીના શપથગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય. પંજાબના ઈન્ચાર્જ હરિશ રાવતે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2 નાયબ મુખ્યપ્રધાન હશે, જેમાંથી એક જાટ શિખ સમુદાયથી અને બીજા હિન્દુ સમુદાયથી હશે. જોકે, આના શપથગ્રહણ સમારોહમાં 40 નેતા ભાગ લેશે.
આ પણ વાંચો- સિદ્ધૂનો સંબંધ પાકિસ્તાન સાથે છે, તેમનું મુખ્યપ્રધાન બનવું રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હશે: અમરિંદર
ચરણજિત સિંહે આંતરિક વિખવાદનો કરવો પડશે સામનો
તો કેન્દ્રિય પ્રધાન મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, ફક્ત 4-6 મહિનાની વાત છે. લોકો પોતાના નવા મુખ્યપ્રધાન ફરીથી પસંદ કરી લેશે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી નવજોતસિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી હતી, જેના કારણે શનિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલાં જ કેપ્ટન અમરિન્દર સિંહે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી નવા મુખ્યપ્રધાન અંગે ચર્ચા ચાલી રહી હતી. જોકે, ચરણજિત સિંહ ચન્ની સામે હવે અનેક પડકાર છે. તેમણે સરકાર ચલાવવાની સાથે સાથે આંતરિક વિખવાદનો પણ સામનો કરવો પડશે. આ સાથે જ ચેન્ની પર હાઈ કમાન્ડે આપેલી 18 સૂત્રીય કાર્યક્રમને પૂર્ણ કરવાની પણ જવાબદારી છે.