હૈદરાબાદ : હૈદરાબાદમાં હાલમાં અંદાજીત 4 લાખ જેટલા ગુજરાતીઓ વસવાટ કરે છે. તેઓને પણ તહેવાર આવે એટલે પોતાના વતનની યાદ જરૂર આવતી હોય છે. વતનની યાદને તહેવારો પર તાજી કરવા માટે હૈદરાબાદમાં રહીને તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં CGA ગ્રુપ દ્વારા આ લોકોની સ્થિતિ જાણીને આ પ્રકારનું બિડુ આજથી 11 વર્ષ પહેલા ઉપાડ્યું હતું. આ ગ્રુપ થકિ હૈદરાબાદમાં રહિને તમામ લોકોને સાથે રાખીને તહેવારોની ઉજવણી કરતા હોય છે. જેમાં નવરાત્રી, ઉતરાયણ, નાટક વગેરે અનેક પ્રકારના કાર્યક્રમ હાથ ધરતા હોય છે.

ત્રિ-દિવસીય નવરાત્રીનું આયોજન : સાઇબરાબાદ ગુજરાતી એસોસિએશન દ્વારા ત્રિ-દિવસીય 'દાંડિયા રમઝટ 2023' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય દિવસ મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ તેમજ નોન-ગુજરાતી સમાજના લોકો જોડાયા હતા અને ત્રણેય દિવસ રોજ નવા ગરબાની ધૂન ઉપર રમઝટ બોલાવી હતી. CGAના સારા આયોજનના કારણે દરરોજ માટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવી રહ્યા હતા. લોકોનો પ્રતિસાદ પણ સારો જોવા મળી રહ્યો હતો. રવિવારનો છેલ્લો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
નાના બાળકોને ગિફ્ટ આપવામાં આવી : યુવાનો અને વયોવૃદ્ધ લોકોની સાથે નાના બાળકોમાં પણ ગરબે રમવાનો હરખ જોવા મળતો હોય છે. તેમના ઉત્સાહને વધારવા માટે થઇને CGA ગ્રુપ થકિ જેટલા પણ છેલ્લા દિવસે 12 વર્ષથી નાની વયના બાળકો ગરબે રમ્યા હતા તેમને તમામને ગિફ્ટ આપવામાં આવી હતી. બાળકો માટે થઇને પણ અલગ-અલગ પ્રકારની નાની રાઇડ્સ ગાર્ડનમાં રાખવામાં આવી હતી.