- બંગાળ કેડરના વરિષ્ઠ અધિકારીઓ એસઆઈટી તપાસ માટે ટીમનો ભાગ હશે
- અન્ય કેસોની તપાસ એસઆઈટી કરશે
- હત્યા અને દુષ્કર્મના કેસની તપાસ સીબીઆઈ કરશે
કલકત્તા: મુખ્યપ્રધાન મમતા બેનર્જીને મોટો આંચકો આપતાં કોલકાતા હાઇકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાની તપાસ સીબીઆઇને સોંપી હતી. આદેશ આપતી વખતે હાઈકોર્ટે કહ્યું કે, સીબીઆઈ કોર્ટની દેખરેખ હેઠળ જ તપાસ કરશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, હત્યા અને દુષ્કર્મના કેસની તપાસ સીબીઆઈ કરશે, જ્યારે અન્ય કેસોની તપાસ એસઆઈટી કરશે. હાઈકોર્ટે કહ્યું કે, બંગાળ કેડરના વરિષ્ઠ અધિકારીઓ એસઆઈટી તપાસ માટે ટીમનો ભાગ હશે.
આ પણ વાંચો- Exclusive : ગુજરાતમાં ખેલા હોબે દિવસની ઉજવણી માટે TMC દ્વારા માગવામાં આવી મંજૂરી
હાઈકોર્ટની પાંચ સભ્યોની બેન્ચે હિંસા સંબંધિત જનહિત યાચિકા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો
તમને જણાવી દઈએ કે, 3 ઓગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટની પાંચ સભ્યોની બેન્ચે હિંસા સંબંધિત જનહિત યાચિકા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે સંબંધિત પક્ષોને તે જ દિવસ સુધીમાં કોઈ વધારાના દસ્તાવેજો રજૂ કરવા પણ કહ્યું હતું. હાઈકોર્ટે રાજ્ય સરકારને એ પણ પૂછ્યું હતું કે, શું 13 જુલાઈના રોજ સુપરત કરવામાં આવેલા એનએચઆરસીના અંતિમ અહેવાલમાં અતિવ્યાપી થનારા કોઇ પણ કેસોમાં કોઈ સ્વત:સંજ્ઞાન લેવામાં આવ્યું હતું.
માનવ અધિકાર પંચે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી
માનવાધિકાર પંચની તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં મમતા બેનર્જી સરકારને દોષિત ગણાવી હતી. પંચે તેના અહેવાલમાં કહ્યું હતું કે, દુષ્કર્મ અને હત્યા જેવા કેસોની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ અને આ કેસોની સુનાવણી બંગાળની બહાર થવી જોઈએ. બીજી બાજુ, અન્ય કેસોની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા થવી જોઈએ. સંબંધિતોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના થવી જોઈએ, ખાસ સરકારી વકીલો તૈનાત રાખવા જોઈએ અને સાક્ષીઓને સુરક્ષા આપવી જોઈએ.
પંચે હાઈકોર્ટના આદેશ પર જ પેનલનું ગઠન કર્યું હતું
માનવાધિકાર પંચે હાઇકોર્ટના આદેશ બાદ મતદાન બાદની હિંસાના આરોપોની તપાસ માટે એક પેનલ બનાવી હતી. પંચે આરોપ લગાવ્યો હતો કે, મોટા જનાદેશ સાથે જીતેલી ટીએમસીએ આંખ આડા કાન કર્યા હતા, જ્યારે તેના સમર્થકો ભાજપના કાર્યકરો સાથે અથડાયા હતા અને કથિત રીતે હિંસાને વધારો આપ્યો હતો.
અમે કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ: કૈલાશ વિજયવર્ગીય
આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા રાજ્ય સરકારના સમર્થન હેઠળ થઈ હતી. કોલકાતા હાઇકોર્ટના આદેશથી સરકારનો પર્દાફાશ થયો છે. અમે કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ.
હું ચુકાદાથી નાખુશ છું: સૌગત રોય
ટીએમસી નેતા સૌગત રોયે કહ્યું કે, હું નિર્ણયથી નાખુશ છું. જો દરેક કાયદો અને વ્યવસ્થા બાબત કે જે સંપૂર્ણપણે રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં હોય, સીબીઆઈ તેમાં આવે તો તે રાજ્યની સત્તાનું ઉલ્લંઘન છે. મને ખાતરી છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિનો ન્યાય કરશે અને જો જરૂરી હોય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લેશે.
આ પણ વાંચો- મમતાના ટાર્ગેટમાં ભાજપશાસિત રાજ્યો, ગુજરાતમાં પણ ઉજવાય શકે છે ‘ખેલા હોબે દિવસ’
તે દુર્ભાગ્યપૂર્ણ છે કે બંગાળ હિંસા માટે જાણીતું હોવું જોઈએ: અનુરાગ ઠાકુર
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારને જનતાની સેવા કરવાની અને હિંસા ન ફેલાવવાની જવાબદારી મળી છે. કોઈ હિંસા ન હોવી જોઈએ. જ્યાંથી સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર બોઝ આવ્યા હતા, જો તે રાજ્ય હિંસા માટે ઓળખાય તો આનાથી મોટી કમનસીબી શું હશે. 2 મેના રોજ વિધાનસભાના પરિણામો જાહેર થયા બાદ પશ્ચિમ બંગાળના ઘણા શહેરોમાં મતદાન બાદની હિંસાની ઘટનાઓ બની હતી.