કોલકાતા : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસની વાસ્તવિકતાનો પર્દાફાશ કરવાની ધમકી આપ્યાના એક દિવસ બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછા છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
CBI દ્વારા તૃણમૂલ ધારાસભ્ય અદિતિ મુનશીના પતિ દેબરાજ ચક્રવર્તીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. દેબરાજ બિધાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર પણ છે. તેમના નિવાસસ્થાન પર ચાર કલાકના સર્ચ ઓપરેશન બાદ CBI અધિકારીઓ લગભગ 1 વાગ્યે ચક્રવર્તીને પોતાની સાથે લઈ ગયા હતા.
ભરતી કૌભાંડ મામલે જેલમાં બંધ પાર્થ ચટર્જીના નજીકના સહયોગી દિગ્ગજ તૃણમૂલ કોર્પોરેટર બપ્પાદિત્ય દાસગુપ્તાના ઘરે પણ CBI અધિકારીઓ પહોંચ્યા હતા. દાસગુપ્તા પાટુલી પોલીસ સ્ટેશન હેઠળના કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) વોર્ડ 101 ના રહેવાસી છે. ભરતી ભ્રષ્ટાચાર મામલામાં પહેલી વાર કૂચ બિહાર તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ સજલ સરકારના ઘરે દરોડા પાડીને CBI અધિકારીઓ કોલકાતાની હદથી બહાર નીકળી ગયા હતા.
થોડા સમય બાદ CBI અધિકારી કૂચબિહારના પરેશ કર ચૌપથી વિસ્તારમાં એક BLD કોલેજના માલિકના ઘરે ગયા હતા, જ્યાં દરોડા દરમિયાન ઘરમાં કોઈ નહોતું. CBI તપાસકર્તાઓએ મહત્વપૂર્ણ માહિતી એકઠી કરવા પડોશીઓ સાથે વાત કરી હતી. બાદમાં દૂર મુર્શિદાબાદમાં પણ દરોડા પાડ્યા હતા.
શિક્ષક ભરતી કૌભાંડની તપાસમાં CBI દ્વારા મુર્શિદાબાદમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે 10 વાગ્યાથી CBI અધિકારીઓએ ડોમકલના ધારાસભ્ય જફીકુલ ઈસ્લામના ઘર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
સીબીઆઈએ શિક્ષક ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્ય જીબનકૃષ્ણ સાહાની ધરપકડ કરી છે. હવે શિક્ષક ભ્રષ્ટાચારને લઈને ડોમકલના ધારાસભ્ય જફીકુલ ઈસ્લામના ઘરે દરોડા પાડ્યા છે. આ સિવાય સીબીઆઈએ બરવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલી ચોરાસ્તા ચોક પર બીઈ કોલેજના માલિક સેજલ અન્સારીના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
સીબીઆઈની ત્રણ સભ્યોની ટીમે બરવાન પોલીસ સ્ટેશન હદના કુલી વિસ્તારમાં સજલ અંસારીના ઘરની તપાસ કરી હતી. કેન્દ્રીય સેનાના જવાનોએ ઘરને ઘેરી લીધું હતું. ઘરની સામે પ્રેસ લખેલી એક કાર રાહ જોઈ રહી હતી. આ અંગે અટકળો પણ શરૂ થઈ ગઈ છે.
સજલ અંસારી બે B.Ed કોલેજના માલિક છે. સૂત્રોનું કહેવું છે કે તેઓની પાસે ઘણી કોલેજો ઉપરાંત મોટી પ્રોપર્ટી પણ છે. સીબીઆઈએ તેમના ભાઈના ઘર અને ડોમકલના ધારાસભ્ય જફીકુલ ઈસ્લામના ઘરની પણ તપાસ કરી હતી. આ સર્ચ ઓપરેશન્સ વચ્ચે શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપે દરોડા બાદ આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે.
મેયર અને મંત્રી ફિરહાદ હકીમે કહ્યું કે, ભાજપ અમારી સાથે આ રીતે લડી શકે નહીં. તમે એજન્સી-પોલીસ સામે લડી શકતા નથી. લડાઈ વર્ચસ્વ અને લોકો સાથે સંપર્ક માટે છે. કોઈ આ પ્રકારનું સંગઠન કરી શકે નહીં. આપણે જેટલા વધુ પ્રભાવિત થઈશું તેટલા જ લોકોના દિલમાં સ્થાન બનાવી શકીશું. આ દરોડા પર ભાજપે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બીજેપી નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે, આ દરોડાનો અમિત શાહની શહેરની મુલાકાત સાથે કોઈ સંબંધ નથી.
સિન્હાએ ETV BHARAT ને જણાવ્યું કે, આજની CBI રેડને અમિત શાહના આગમન સાથે કોઈ લેવાદેવા નથી. અમિત શાહ રાજ્યમાં એવા સમયે આવ્યા જ્યારે તૃણમૂલના આટલા બધા નેતાઓ જેલમાં છે, તૃણમૂલના ઘણા નેતાઓના ઘરની તપાસ કરવામાં આવી છે. આજની રેડ શાહની મુલાકાત સાથે સંયોગવશ થઈ છે. કલકત્તા હાઈકોર્ટ બધું જ કરી રહી છે. કોર્ટે સીબીઆઈને ભરતી ભ્રષ્ટાચારના કેસમાં કડક કાર્યવાહી કરવા અને સર્ચ ઓપરેશન હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આગળ પણ ચાલુ રહેશે.