ન્યૂઝ ડેસ્ક : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal attacked BJP) ટ્વીટ કરીને કહ્યું કે, દેશમાં ખૂબ જ મોંધવારી વધી ગઈ છે. ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ચારેય બાજુ બેરોજગારી છે. કોઈ પણ સરકારનું પહેલું કામ એ હોવું જોઈએ કે, મોંઘવારી કેવી રીતે ઘટે, પણ કેટલીક સરકારનું એક જ કામ છે કે, કેજરીવાલને ક્રશ કરી દો. હવે કેજરીવાલને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે વિજય નાયરની ધરપકડ (CBI arrested Vijay Nair) કરી લીધી છે. જેણે પંજાબમાં ખૂબ સારૂ કામ કર્યું છે. જે ગુજરાતનું આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા જોતા હતા.
દિલ્હીમાં દારૂ કૌભાંડનો સંપૂર્ણ મામલો : નવી આબકારી નીતિ દિલ્હી સરકારે ગયા વર્ષે 17 નવેમ્બરે લાગુ કરી હતી, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગયા મહિને નવી આબકારી નીતિના અમલમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની CBI તપાસની ભલામણ કરી હતી. દિલ્હીમાં અગાઉ સરકારી દુકાનોમાં દારૂ વેચાતો હતો. નિર્ધારિત દરે પસંદગીના સ્થળોએ ખુલ્લી દુકાનોમાં જ દારૂનું વેચાણ થતું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં કેજરીવાલ સરકારે દારૂના વેચાણ માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી.
FIRમાં કોના નામ? : CBIએ સિસોદિયા સહિત 15 લોકો સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ સાથે સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સિસોદિયા ઉપરાંત તત્કાલિન આબકારી કમિશનર આરવ ગોપી ક્રિષ્ના, તત્કાલિન નાયબ આબકારી કમિશનર આનંદ કુમાર તિવારી, આસિસ્ટન્ટ એક્સાઇઝ કમિશનર પંકજ ભટનાગર અને 9 બિઝનેસમેન વિજય નાયર, મનોજ રાય, અમરદીપ ધલ, સમીર મહેન્દ્રુ, અમિત અરોરા, દિનેશ અરોરા, સની મારવાહ, અરુણ. રામચંદ્ર પિલ્લઈ, અર્જુન પાંડે અને એમએસ મહાદેવ લિકર, બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ નોંધાયેલ છે.
દારૂ કૌભાંડમાં CBIના 31 સ્થળોએ દરોડા : CBI એફઆઈઆરમાં આરોપ છે કે દારૂના વેપારીએ સિસોદિયાના સહયોગી દ્વારા સંચાલિત કંપનીને કથિત રીતે 1 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. CBIએ શુક્રવારે સિસોદિયાના સત્તાવાર નિવાસસ્થાન, ઓફિસ અને 7 રાજ્યોમાં 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સીબીઆઈને ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ મળ્યા છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે સિસોદિયા અને અન્ય આરોપી અધિકારીઓએ ટેન્ડર પછી લાયસન્સધારકોને અનુચિત લાભ આપવાના ઈરાદાથી સક્ષમ અધિકારીની મંજૂરી વિના એક્સાઈઝ પોલિસી 2021-22 સંબંધિત ભલામણો અને નિર્ણયો કર્યા હતા.