SC on Caste Survey: સુપ્રીમ કોર્ટે જાતિ આધારિત વસ્તી ગણતરીના રિપોર્ટને અટકાવાની ના પાડી - 3 ઓક્ટોબરે સુપ્રીમમાં અરજી
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી રિપોર્ટને અટકાવવાની સુપ્રીમ કોર્ટે ના પાડી છે. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને જવાબ રજૂ કરવા નોટિસ મોકલી છે.
By PTI
Published : Oct 6, 2023, 4:33 PM IST
નવી દિલ્હીઃ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના રિપોર્ટને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે અસહમતિ દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે અદાલત કોઈ પણ રાજ્ય સરકારને ફેંસલો લેવાથી અટકાવી શકે નહીં. આ અયોગ્ય છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસ.વી.એન. ભટ્ટીની બેંચે જાતિ આધારિત વસ્તી ગણતરી વિરુદ્ધ કરાયેલ અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે અમે આ મુદ્દે વિસ્તૃત સુનાવણી કરીશું. અમે સરકારને નીતિ બનાવવાથી અટકાવી શકીએ નહીં. જો કે જાતિ આધારિત વસ્તી ગણતરી વખતે લેવાયેલ નાગરિકોના પર્સનલ ડેટા સરકારે જાહેર ન કરવા જોઈએ. હવે આ મુદ્દે જાન્યુઆરીમાં સુનાવણી થશે.
3 ઓક્ટોબરે થઈ હતી અરજીઃ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થયો તેના બીજા દિવસે 3 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર મામલામાં સુપ્રમી કોર્ટ હસ્તક્ષેપ કરે તેવી માંગણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીનો તાત્કાલિક સ્વીકાર કર્યો હતો પરંતુ આ મામલે તે સમયે કોઈ ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું. આ અરજી પર સુનાવણી 6 ઓક્ટોબરે કરવાનો આદેશ કર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી અને કહ્યું કે બિહાર સરકારને જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે નોટિસ મોકલવામાં આવી છે. જેમાં બિહાર સરકાર જાન્યુઆરી 2024 સુધી આ વસ્તી ગણતરી પર જવાબ આપી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આ મામલે વિસ્તૃત સુનાવણી કરશે.
રાજ્ય સરકારનો રિપોર્ટઃ ઉલ્લેખનીય છે કે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવ્યા બાદ રાજ્ય સરકારે રિપોર્ટ જાહેર કરી દીધો હતો. જે સરકારી આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે અનુસાર બિહારની કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. જેમાં સવર્ણ એટલે કે ભૂમિહાર-2.89 ટકા, રાજપૂત-3.45 ટકા, બ્રાહ્મણ-3.66 ટકા અને કાયસ્થ-0.60 ટકા છે. આમ સવર્ણની વસ્તી 15.52 ટકા જેટલી થવા જાય છે. 63 ટકા ઓબીસી, 19 ટકા અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિની વસ્તી છે. બિહારમાં યાદવોનું પ્રમાણ સૌથી વધુ છે.