નવી દિલ્હીઃ ભારત અને કેનેડા બંને દેશો વચ્ચે અત્યારે વિખવાદનું વાતાવરણ છે ત્યારે કેનેડિયન સ્પીકરે ભારતમાં યોજનાર P-20 શિખર સંમેલનમાં ભાગ લેવાની ના પાડી છે. જો કે કેનેડિયન સ્પીકર રેમોંડે અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં યોજાનાર સમિટ સંમેલનમાં હાજર રહેવાની પુષ્ટિ કરી હતી. બાદમાં તેમણે પોતાનો નિર્ણય બદલ્યો હોવાના સમાચાર છે.
ભારત કેનેડા વચ્ચે વિખવાદઃ આ પહેલા ઓમ બિરલાએ 12થી 14 ઓક્ટોબર દરમિયાન થનાર P-20 શિખર સંમેલનમાં કેનેડિયન સ્પીકર સાથે અનઔપચારિક રીતે અનેક મુદ્દે વાત કરશે તેવું જણાવ્યું હતું. જૂનમાં હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં થયેલ હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોવાનું કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જણાવી ચૂક્યા છે. તેમના આ વિવાદિત નિવેદન બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કડવાશ વ્યાપી ગઈ હતી. ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. નિજ્જરને સરાજાહેર એક ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળીઓ મારવામાં આવી હતી.
જયશંકરની ગુપ્ત બેઠકઃ આ દરમિયાન વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે બંને દેશો વચ્ચે રાજનૈતિક ગતિરોધ વચ્ચે કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલી સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ વિશે પુછવા પર વિદેશ મંત્રાલયે કંઈ પણ કહેવાનો સાફ ઈન્કાર કર્યો હતો. રાજનૈતિક ખટરાગ વચ્ચે ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર પહેલા ભારત છોડવા માટે આદેશ કર્યો હતો.
સુરક્ષા ગાઈડલાઈનઃ કેનેડાની ધરતી પર ખાલીસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓને લઈને ભારત અને કેનેડા વચ્ચે સંબંધ પહેલેથી જ યોગ્ય નથી. કેનેડિયન વડા પ્રધાને બંને દેશ વચ્ચેના સંબંધોને નીચલી કક્ષાએ પહોંચાડી દીધા છે. ભારત વિરોધી ગતિવિધિ વધવાને લીધે ભારતે કેનેડામાં વસતા નાગરિકોને સુરક્ષા સંદર્ભે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. આ ગાઈડલાઈનમાં કેનેડાને આતંકવાદીઓ માટે એક સુરક્ષિત સ્થળ હોવાનું જણાવાયું હતું. કેનેડા સિવાય જર્મની અને આર્જેન્ટિનાના સ્પીકર્સ પોતાના આંતરિક કારણો સર P-20 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવાના નથી. આ બંને દેશોએ અનુપસ્થિતિ માટે ખેદ પણ પ્રગટ કર્યો છે.
350થી વધુ ડેલિગેટ્સઃ ત્રણ દિવસીય P-20 શિખર સંમેલનમાં 350થી વધુ પ્રતિનિધિઓના ભાગ લેવાની આશા છે. જેમાં 50 સાંસદ, 14 મહાસચિવ, 26 ઉપાધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘના અધ્યક્ષ અને પેન આફ્રિકા સંસદના અધ્યક્ષની ભાગીદારી હશે. 9મા P-20 શિખર સંમેલનનો વિષય એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ પ્રસ્તાવિત છે. શિખર સંમેલનની અધ્યક્ષતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે. 9મા P-20 શિખર સંમેલન માટે ચાર સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોશિયલ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લોકોના જીવનમાં પરિવર્તન, મહિલાઓના નેતૃત્વવાળો વિકાસ, ત્વરિત એસડીજી અને સતત ઊર્જા સંક્રમણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
3 બેઠકોમાં ઓમ બિરલા હાજરઃ P-20 શિખર સંમેલનના પ્રતિનિધિઓને નવા સંસદ ભવનની ટૂર પણ કરાવાશે. જેમાં એક સાંસ્કૃતિક સાંજ અને સ્પીકર દ્વારા ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. જી-20માં સંસદીય ટ્રેક 2010માં ઓટાવા, કેનેડામાં પસંદગીકૃત જી-20 દેશોના વક્તાઓની પરામર્શ બેઠકના સ્વરુપે શરુ થઈ હતી. ઉલ્લેખનીય છે કે P-20 શિખર સંમેલનનું આયોજન દરેક જી-20 પ્રેસિડેન્સી અંતર્ગત થયું નહતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ છેલ્લી 3 બેઠકોમાં ભાગ લીધો હતો. જેમાં 2019માં ટોક્યોમાં યોજાયેલ 6ઠ્ઠી, 2021માં રોમમાં યોજાયેલ 7મી અને 2022માં જકાર્તામાં યોજાયેલ 8મી બેઠકનો સમાવેશ થાય છે.
રશિયાનો કાર્યક્રમઃ સ્પીકર વેલેંટિના મતવિનેકોના નેતૃત્વમાં રશિયા સંઘની સંઘીય વિધાનસભાના ફેડરેશન કાઉન્સિલનું ડેલિગેશન નવી દિલ્હીમાં રશિયન એમ્બેસીમાં P-20 શિખર સંમેલનમાં ભાગ લેશે. ડેલિગેશનમાં ફેડરેશન કાઉન્સિલના પ્રથમ ઉપાધ્યક્ષ આંદ્રેઈ તુરચક, ફેડરેશન કાઉન્સિલ ઉપાધ્યક્ષ કોન્સ્ટેંટિન કોસાચેવ અને કૃષિ તેમજ ખાદ્ય નીતિ અને પર્યાવરણ પ્રબંધન પર ફેડરેશન કાઉન્સિલ સમિતિના સભ્ય તાત્યાના ગિગેલ સાથે રાજ્ય ડ્યૂમાના સભ્ય પણ સામેલ થશે. રશિયન ડેલિગેશનના પ્રવાસમાં ભારતીય ડેલિગેશન સાથે વાતચીતની પણ યોજના કરવામાં આવી છે.