- બોંડેડી તીસા માર્ગના વળાંક પર ખાનગી બસ ખીણમાં ખાબકી
- બસમાં સવાર 30થી 35 પ્રવાસીઓ પૈકી 8ના મોત, ઈજાગ્રસ્તોની સારવાર શરૂ
- પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો દ્વારા બચાવ કામગીરી શરૂ
ચંબા: જિલ્લાના ચુરાહ વિધાનસભા મતક્ષેત્રના બોંડેડી તીસા માર્ગ ઉપર કોલોની પાસેના વળાંક પર એક ખાનગી બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. અત્યાર સુધી 8 લોકોનાં મોત નિપજ્યાં હોવાની માહિતી સાંપડી છે. જે પૈકી 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 2 લોકોનું હોસ્પિટલમાં મોત થયું હતું. હાલમાં ઘણા લોકોના મોત નિપજ્યાં હોવાની આશંકા સેવાઈ રહી છે. બસને ખીણમાં પડતા જોઈને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
4 ઈજાગ્રસ્તોને સારવાર માટે અન્યત્ર ખસેડાયા
બનાવની જાણ થતા પોલીસ અને પ્રશાસનની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તીસાનાં BDO મહિન્દરસિંહે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત નિપજ્યાં છે. 13 ઇજાગ્રસ્તોને તાત્સા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. ઘટના સ્થળે લોકો બૂમરાણ મચાવી રહ્યા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તીસા સ્થિત સિવિલ હોસ્પિટલના BMO ડૉ. ઋષિ પુરીએ માહિતી આપતાં જણાવ્યું કે, 2 ઈજાગ્રસ્તોએ સારવાર દરમિયાન જ દમ તોડ્યો હતો. જ્યારે, 4 ઇજાગ્રસ્તોને ચંબા મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે.