બેંગ્લુરુ : બેંગ્લુરુની શાળાઓમાં બોમ્બની ધમકીનો મામલો સામે આવ્યો છે. જો કે શનિવારે તમામ શાળાઓ રાબેતા મુજબ ખુલી હતી અને બાળકો વર્ગોમાં હાજર રહ્યાં હતાં. જો કે બાળકોના વાલીઓએ કહ્યું કે ધમકી આપનારાઓ સામે કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવા કિસ્સા ન બને.
બોમ્બની ધમકી વચ્ચે શાળાએ આવ્યાં બાળકો : બેંગલુરુની જે શાળાઓને શુક્રવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો તે તમામ શનિવારે ખુલ્લી જોવા મળી હતી. શાળાના વર્ગો રાબેતા મુજબ શરૂ થઈ ગયાં હતાં. શુક્રવારે બેંગ્લુરુ શહેર અને ગ્રામીણ જિલ્લાઓમાં 60 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ સ્થિતિમાં શાળાઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. બોમ્બની ધમકી વચ્ચે પણ શનિવારે સવારે સામાન્ય દિવસોની જેમ વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઇ આવ્યા હતાં.
સાયબર ક્રાઈમના કિસ્સાઓ હળવાશથી ન લેવાય : આ સંદર્ભમાં પૂર્ણપ્રજ્ઞા શાળાની શિક્ષિકા કવિતાએ ઈટીવી ભારતને જણાવ્યું કે, ' ગઈકાલે જ્યારે અમને બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો ત્યારે ચિંતાનું વાતાવરણ હતું. અમે સાવચેતી રાખી અને બાળકોને તેમના માતાપિતા સાથે મોકલ્યા. શાળા દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે આજે કોઈ સમસ્યા નહીં થાય. તેથી જ બાળકો આજે કોઈ ચિંતા કર્યા વિના આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ગઈકાલ અને આજની પરિસ્થિતિનો સામનો કરવામાં વાલીઓએ ઘણો સહકાર આપ્યો છે. પરંતુ આ પ્રકારના ધમકીભર્યા મેસેજ ચિંતાનો વિષય છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે આ દુઃખદ બાબત છે. આ પૃષ્ઠભૂમિમાં સરકારે પણ ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આગામી દિવસોમાં પણ આવા સાયબર ક્રાઈમના કિસ્સાઓને હળવાશથી લેવા જોઈએ નહીં.
વિદ્યાર્થીની પ્રતિક્રિયા : પૂર્ણપ્રજ્ઞા સ્કૂલના એક વિદ્યાર્થીએ કહ્યું, ' અમે હંમેશની જેમ શાળામાં આવ્યા અને વર્ગમાં હાજરી આપી છે. ગઈકાલે બોમ્બની ધમકી મળ્યા બાદ તમામ બાળકો રમતના મેદાનમાં એકઠા થયા હતા. જે બાદ તેના માતાપિતા પોતાના ઘરે લઈ ગયા હતાં. શરૂઆતમાં મને લાગ્યું કે આ ફેક ન્યૂઝ છે, પરંતુ જ્યારે મેં ઘરે જઈને સમાચાર જોયાં તો મને સત્યની ખબર પડી.’
વાલીની પ્રતિક્રિયા : એક બાળકીના માતાપિતા ગોપાલ માલીએ કહ્યું, ‘મારી દીકરી નર્સરીમાં અભ્યાસ કરે છે. આજે શાળામાં ડાન્સનું રિહર્સલ હતું, આજે અમે હળવા છીએ, પરંતુ ગઈકાલે ભયનું વાતાવરણ હતું. સરકારે આવી ધમકીભરી બાબતોનો અંત લાવવો જોઈએ. બાળકો ડરી ગયા હતા. તેમને શાળાએ જવામાં ભય લાગતો હતો. સરકારે સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ જેથી ભવિષ્યમાં આવા ખતરાના કિસ્સાઓ ન સર્જાય. જો આરોપીઓ બચી જશે તો ભવિષ્યમાં પણ આવા કિસ્સા પ્રકાશમાં આવશે.