બિહાર : બિહારના મુઝફ્ફરપુરના બેનીવાદ ઓપી વિસ્તારમાં મધુરપટ્ટી ઘાટ પર એક બોટ દુર્ઘટનાનો શિકાર બની છે. બાગમતી નદીની વચ્ચે બોટ પલટી ગઈ. આ બોટમાં લગભગ 30 બાળકો હતા. બોટ દુર્ઘટનાની જાણકારી બાળકોના વાલીઓને મળતાં ભારે રોક્કળ થઇ રહી છે. જાણકારી મુજબ અત્યાર સુધીમાં 20 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા બાળકો હજુ લાપતા છે.
બચાવકાર્ય થઇ રહ્યું છે : બેનીવાડ ઓપી વિસ્તારમાં મધુરપટ્ટી ઘાટ પર જે બોટ અકસ્માતનો શિકાર બની છે તે વિદ્યાર્થીઓથી ભરેલી હતી. બોટ દુર્ઘટનાના સમાચાર મળતા જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં ગામમાં ખળભળાટ મચી ગયો છે. બોટ પલટી ગયાં બાદ અનેક બાળકોએ નદીના પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ બેનિયાબાદ ઓપી પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્યમાં લાગી છે. સ્થળ પર ડાઇવર્સને બોલાવવામાં આવ્યા છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બાળકો સુરક્ષિત રહે અને તમામને વહેલી તકે જીવંત તેમના માતાપિતાને સોંપવામાં આવે. પરિવારના સભ્યો કંઈક અઘટિત બનવાની સંભાવનાથી ડરી રહ્યા છે.
સીએમ નિતીશે તપાસના આદેશ આપ્યાં : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "અમે મુઝફ્ફરપુર બોટ દુર્ઘટના અંગે ડીએમને આદેશ આપ્યા છે. ડીએમ આ મામલાની તપાસ કરી રહ્યા છે. પીડિત પરિવારને મદદ કરવામાં આવશે."
બોટ ઓવરલોડ હતી? : મોટાભાગના કિસ્સાઓમાં ખલાસીઓ પૈસા કમાવવા માટે તેમની ક્ષમતા કરતા વધુ મુસાફરો લે છે, જેના કારણે ઘણી વખત બોટ ઓવરલોડિંગને કારણે અકસ્માતનો ભોગ બને છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે કે આ ઘટના કેમ બની અને કોનો વાંક? આ તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. વરસાદને કારણે નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં બોટ અકસ્માતના કિસ્સાઓ વધે છે. મુઝફ્ફરપુરમાં ઘણા માસૂમ બાળકો ગુમ છે અને તેમના માતાપિતાની રડી રડીને હાલત ખરાબ છે.
બાગમતી સહિત બિહારની અનેક નદીઓમાં ભારે પ્રવાહ : નેપાળમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે બાગમતી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. બાગમતી છેલ્લા કેટલાક સમયથી ખતરાના નિશાનથી ઉપર છે. તેમ છતાં બાળકોથી ભરેલી હોડી નદી પાર કરવામાં આવી રહી હતી. તમામ શાળામાં ભણતાં બાળકો છે. બિહારના પૂરપ્રભાવિત વિસ્તારોમાં બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા માટે મજબૂર છે.