અમદાવાદઃ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક પ્રધાનોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિક હટાવી દીધી છે. ટ્વિટરે તેના બ્લુ ટિક માટે ચૂકવણી સેવા શરૂ કરી છે, પરંતુ જેઓ ચૂકવણી કરી રહ્યા નથી, તેમની બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે.
ચૂકવણી ન કરતાં બ્લુ ટીક હટાવાઈ: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટર દ્વારા બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. સાથે જ ગુજરાત સરકારના ઉપમુખ્યપ્રધાન રહેલા નીતિન પટેલ, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સહિત અનેક પ્રધાનોના ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિક દૂર થઈ ગઈ છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના ટ્વીટર એકાઉન્ટ પરથી પણ બ્લુ ટીક હટાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Twitter Blue Ticks: શાહરૂખથી લઈને યોગી આદિત્યનાથ સુધી, આ લોકોએ ગુમાવી ટ્વિટર બ્લુ ટિક
બ્લુ ટિક માટે કરલું પડશે પેમેન્ટ: ઉલ્લેખનીય છે તે ટ્વિટરે તેના બ્લુ ટિક માટે ચૂકવણી સેવા શરૂ કરી છે, તેથી વ્યક્તિગત વપરાશકર્તાઓ કે જેમની પાસે બ્લુ ટિકની ચકાસણી થઈ છે, પરંતુ તેઓ ચૂકવણી કરી રહ્યાં નથી, તેમની બ્લુ ટિક ટ્વીટર દ્વારા હટાવી દેવામાં આવી છે. માર્ચમાં ટ્વિટરએ તેના સત્તાવાર એકાઉન્ટમાંથી પોસ્ટ કર્યું હતું કે તે 1 એપ્રિલથી બ્લુ ટિકની મફત સેવાને સમાપ્ત કરી રહ્યું છે. એટલે કે 1 એપ્રિલ પછી જે લોકો ટ્વિટરનું પેમેન્ટ નથી કરી રહ્યા તેમની બ્લુ ટિક હટાવી દેવામાં આવશે. ભારતમાં બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન પેકેજો રૂપિયા 650થી શરૂ થાય છે. તે જ સમયે મોબાઇલ વપરાશકર્તાઓને આ માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે.
ફેક એકાઉન્ટ પર અંકુશ લગાવવા લેવાયો નિર્ણય: નોંધનીય છે કે ટ્વિટરે નકલી એકાઉન્ટ અને વાસ્તવિક એકાઉન્ટ વચ્ચે તફાવત કરવા માટે વર્ષ 2009માં બ્લુ ટિક સેવા શરૂ કરી હતી. જેના કારણે ફેક એકાઉન્ટ પર ઘણી હદ સુધી અંકુશ લગાવવામાં આવ્યો હતો. આ સાથે જ બોલિવુડના સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન સહિત અનેક હસ્તીઓના ટ્વિટર પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે.