ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તે પહેલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહી છે, અને જે કામ પેન્ડિંગ છે, તે કામને પણ ઝડપી બનાવી રહી છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં આમ આદમી પાર્ટી અને ઓવૈસીની એઆઈએમઆઈએમ સક્રીય થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મેદી અને ગૃહપ્રધાન અમિત શાહે જાણે પોતાના હોમ સ્ટેટની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જવાબદારી પોતે જ સંભાળી લીધી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ સરકાર વિકાસના કામને ચૂંટણીમાં મુદ્દો બનાવી શકે અને કામની ગણતરીઓ કરી શકે તે માટે દરેક કાર્યમાં ગતિ આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે સરકારને વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યાદ આવ્યા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલી અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સૂરતમાં મેટ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તે અગાઉ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જવા માટે કેવડિયા માટે નવો રેલ માર્ગ બિછાવીને 10 ટ્રેનો શરૂ કરાવી દીધી છે. છ રાજ્યોમાંથી સીધા કેવડિયા જવાની સગવડ ઉભી કરાઈ છે. તે અગાઉ અમદાવાદ કેવડિયા વચ્ચે સી પ્લેન શરૂ કરાવ્યું, તે અગાઉ ઘોઘા અને હજીરા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરાવી. તે દરમિયાન જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે વર્ચ્યુલી અમદાવાદના પકવાન ચાર રસ્તા અને સાણંદ ચોકડી-એસજી હાઈવે પર સિક્સ લેન બે બ્રિજનું લોકાર્પણ કરાવ્યું. ટૂંકમાં રાજ્યમાં પેન્ડિંગ રહેલા વિકાસ કામોને ફટાફટ પૂર્ણ કરવાની દિશામાં સરકાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે સરકારને વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યાદ આવ્યા આ ઉપરાંત રાજ્યના અન્ય મોટા શહેરો રાજકોટ, સુરત અને વડોદરામાં પણ વિકાસના કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. રાજકોટમાં એઇમ્સનું ખાત મુહૂર્ત, અને લાઈટ હાઉસ આવાસ યોજનાનું વડાપ્રધાન મોદીએ ખાતમુહૂર્ત કર્યું. સુરતમાં ડ્રિમ સિટી, બુલેટ ટ્રેન, તાપી શુદ્ધિકરણ, આઉટર રિંગ રોડ જેવા મોટા પ્રોજક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં કેટલાક અગત્યના જાહેર થયેલા કાર્યો જેમાં 3.5 કિલોમીટર ફલાય ઓવર ગેંડા સર્કલ-મનીષ ચોકડી, પાણી પાઇપ લાઈન સિંધરોટથી વડોદરા શહેર સુધી, જન મહેલ, 20 જેટલા પ્રાથમિક સુવિધા પ્રોજકટ, સ્માર્ટ સીટી પ્રોજેકટ, વેરો ઓનલાઈન ભરવા અંગેના કેટલાક ડિજિટલ પ્રોજેક્ટ્સ અને શહેરમાં નવા 5 રોડ બનાવવાના કાર્યો અધુરા છે જેનો પણ આગામી દિવસોમાં કંઈ નિર્ણય આવી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સરકારે તમામને સૂચનાઓ આપી દીધી છે કે પેન્ડિંગ રહેલા તમામ કામો 20 જાન્યુઆરી પહેલા પૂર્ણ કરી દો, તેના આધારે એમ કહી શકાય કે હવે રાજ્ય ચૂંટણી પંચ 21 જાન્યુઆરીથી માંડીને 22 જાન્યુઆરીની વચ્ચે 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણીઓની તારીખની જાહેરાત કરે તેવી સંભાવના વધારે છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે "ચૂંટણી આવે ત્યારે જ સરકારને પ્રજા અને પ્રજાલક્ષી વિકાસના કામ યાદ આવે છે. હકીકત એવી છે કે ચૂંટણી સમયે વિકાસના કામની વાત કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસુલવા અને તે પૈસાનો ઉપયોગ ચૂંટણીમાં કરવો. 2012માં સૌની યોજના રૂપિયા 10,000 કરોડની હતી, અને આજે તે 20,000 કરોડની થઈ ગઈ છે. વિશ્વની નાનામાં નાનો રૂટ ધરાવતી મેટ્રો ફેઝ વન 2007માં યોજના જાહેર થઈ, 2015માં તે વખતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ખાતમુહૂર્ત કર્યું. 2019માં વડાપ્રધાન મોદીએ 6.5 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું, તે મેટ્રો ટ્રેન હજી પબ્લિક માટે ઉપયોગી થઈ નથી. હજી મેટ્રો ફેઈઝ ટુનું ખાતમુહૂર્ત કરાયું. કેમ કે ચૂંટણી આવી રહી છે. પ્રજાને ભ્રમિત કરવા સિવાય કોઈ કામ નથી. પ્રજાને ગુમરાહ કરવી, ભષ્ટ્રાચાર કરવો અને પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ તાયફામાં કરવો."આમ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની તારીખોની શક્યતાઓને પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ગત વર્ષે 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી, જેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.