નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપ સાંસદ રમેશ બિધુડીને ચેતવણી આપી છે. જો ભવિષ્યમાં આવું અવિવેકી વર્તન ફરીથી કરવામાં આવશે તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. ભાજપ સાંસદ રમેશ બિધુડીને આપત્તિજનક નિવેદનો કરવા ભારે પડ્યા છે. અધ્યક્ષ ઓમ બિરલાએ આ બાબતને ગંભીર ગણી બિધુડીને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી દીધી છે.
ચંદ્રયાન-3ની સફળતામાં થયો વિવાદઃ ઉલ્લેખનીય છે કે બિધુડીએ ગુરુવારે લોકસભાની ચંદ્રયાન-3ની સફળતા અને ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિને બિરદાવી હતી. આ દરમિયાન બિધુડીએ બહુજન સમાજ પાર્ટીના કુંવર દાનિશ અલી વિરૂદ્ધ કેટલાક આપત્તિજનક નિવેદન કર્યા હતા. ભાજપ સાંસદ બિધુડીએ અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિ વર્ણવતા દાનિશ અલી વિરૂદ્ધ કેટલાક આપત્તિજનક શબ્દો કહ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ ઘટનાની ગંભીરતાને સમજીને ભાજપ સાંસદ રમેશ બિધુડીને ભવિષ્યમાં કકડ કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી આપી છે.
વિપક્ષોએ કાર્યવાહીની કરી માંગઃ બિધુડીના નિવેદન બાદ સંસદમાં હંગામો મચી ગયો હતો. વિપક્ષોએ બિધુડી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભવિષ્યમાં આ પ્રકારના નિવેદન કર્યા તો કડક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી આપી છે. બિધુડીના નિવેદનની ગંભીરતા સમજીને કેન્દ્રીય સુરક્ષા પ્રધાન રાજનાથસિંહે ખેદ વ્યક્ત કર્યો હતો.
રેકોર્ડમાંથી વિવાદિત શબ્દો દૂર કરાયાઃ સભાપતિ કોડિકુનિલ સુરેશે બિધુડીના આપત્તિજનક શબ્દોને રેકોર્ડમાંથી દૂર કરાયા હોવાની માહિતી આપી છે. રાજનાથ સિંહે બિધુડીનું વિવાદિત નિવેદન સાંભળ્યું ન હોવા છતાં તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે.