મૈસૂર(કર્ણાટક): કર્ણાટકમાં ભાજપ સાંસદ પ્રતાપ સિમ્હા દ્વારા મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પર કરવામાં આવેલ એક નિવેદન પર FIR થઈ છે. દેવરાજા પોલીસ દ્વારા મૈસૂર સિટીમાં આઈપીસી સેક્શન 504, 153 અંતર્ગત આ FIR નોંધાઈ છે. આ FIR કૉંગ્રેસ કાર્યકર્તાઓની ફરિયાદ પર નોંધાઈ છે. સાંસદ સિમ્હાએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને 'સોમારી સિદ્ધા' કહીને સંબોધ્યા હતા. જે ત્યાંની સ્થાનિક ભાષામાં ક્ષોભજનક ગણાય છે. આ નિવેદન તેમણે હુનાસુર શહેરમાં મંગળવારે હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલ એક કાર્યક્રમમાં આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાજપ એમપી સિમ્હાએ કહ્યું હતું કે, આખા રાજ્યમાં 28 એમપી છે પણ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા મારાથી અસુરક્ષિત ભાવના અનુભવે છે અને મને ટાર્ગેટ કરતા હોય છે. હું 'સોમારી સિદ્ધા'(મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા)ની જેમ આળસુ થઈને બેસી રહેતો નથી અને જાતિ આધારિત રાજકારણ કરતો નથી. હું રાજકારણમાં વિકાસને પ્રાધાન્ય આપું છું તેથી મને ટાર્ગેટ કરવામાં આવે છે.
મંગળવાર રાત્રે કૉંગ્રેસ નેતા એને કાર્યકર્તાઓએ મૈસૂર-હુનાસુર રોડ બ્લોક કરી દીધો હતો. તેમણે વાહનો પણ અટકાવ્યા હતા. વિરોધકર્તાઓએ ભાજપ સાંસદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતા રોડ પર રીતસરના સુઈ ગયા હતા. પોલીસે ભાજપ એમપી વિરુદ્ધ FIRની હૈયાધારણ આપી ત્યારબાદ આ વિરોધ પ્રદર્શન બંધ કરવામાં આવ્યું હતું. મૈસૂર ગ્રામ્યના કૉંગ્રેસ નેતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં ભાજપ એમપી સિમ્હાએ કરેલ નિવેદનને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડ કરવા પ્રેરિત છે તેમ જણાવાયું છે.
આ ફરિયાદમાં વધુ જણાવાયું છે કે, ભાજપના સિમ્હા વારંવાર મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પર વાકપ્રહાર કરતા રહે છે. આ રીતે તેઓ મુખ્ય પ્રધાનની છાપને ધૂમીલ કરી રહ્યા છે. તેમણે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ખટરાગ ઊભો થઈ શકે છે. તેઓ લોકસભા ચૂંટણી પહેલા વાતાવરણમાં તંગદીલી પેદા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
2001ના સંસદ ભવન પર હુમલાના 22 વર્ષ પૂર્ણ થયા તે દિવસે કેટલાક યુવાનો ફરીથી સંસદ ભવવની સુરક્ષા તોડીને સંસદમાં દાખલ થયા હતા. આ ઘટનામાં પણ સાંસદ પ્રતાપ સિમ્હાનું નામ સામે આવ્યું છે.