હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કે. ચંદ્રશેખર રાવ હવે પૂર્વ મુખ્યમંત્રી તરીકે ઓળખાશે. પરંતુ કેસીઆર આ ચૂંટણીમાં બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં કામરેડ્ડી મતવિસ્તાર વધુ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે અહીંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા સંભવિત મુખ્યમંત્રી ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડી પણ લડી રહ્યા હતા.
પરંતુ આ બંને દિગ્ગજ નેતાઓ કામરેડ્ડી મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. આ બેઠક પર ભાજપના વેંકટા રમના રેડ્ડી જાયન્ટ કિલર સાબિત થયા છે. તેમણે કે. ચંદ્રશેખર રાવને 5,156 મતોના માર્જિનથી હરાવ્યા હતા અને રેવન્ત રેડ્ડી ત્રીજા ક્રમે રહ્યા હતા. સવારથી મતગણતરી શરૂ થયા બાદ અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. શરૂઆતમાં ભાજપના ઉમેદવારે લીડ લીધી હતી.
ત્યારબાદ રેવંત રેડ્ડી આગળ રહ્યા. કેસીઆર પણ કેટલાક રાઉન્ડમાં આગળ હતા. પરંતુ જ્યારે મતગણતરી પુરી થઈ ત્યારે ભાજપના વેંકટા રમના રેડ્ડીએ નાટકીય રીતે જીત મેળવી હતી. તેમને અહીંના સ્થાનિક નેતા માનવામાં આવે છે. જ્યારે કેસીઆર અવિભાજિત મેડક જિલ્લામાંથી છે, જ્યારે રેવંત રેડ્ડી અવિભાજિત મહબૂબનગર જિલ્લામાંથી આવે છે.
જો કે, KCR અને રેવન્ત રેડ્ડી બંને અનુક્રમે તેમના ઘરના મતવિસ્તાર ગજવેલ અને કોડંગલથી જીત્યા છે. જ્યારે કેસીઆર સતત ત્રીજી વખત ગજવેલમાંથી ચૂંટાયા હતા, રેવન્ત રેડ્ડી કોડંગલથી વિજયી બન્યા હતા. વર્ષ 2018માં તેમને આ સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો.