ગુરુવારે નીતિ આયોગની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ઝીરો બજેટ વાળી પાલેકર ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. બેઠક પછી કૃષિપ્રધાન તોમરે આ અંગે ટ્વીટ પણ કર્યુ હતું. કેન્દ્ર સરકાર પાલેકર ખેતીનો પ્રચાર અને પ્રસાર સમગ્ર દેશમાં કરવા માગે છે. આ ખેતી તરફ ખેડૂતો વળે તે માટે પ્રોત્સાહીત પણ કરશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, સરકારનું ધ્યાન ખેંચનાર આ પાલેકર ખેતી આખરે છે શું?
એક વ્યક્તિનાં નામ પર ખેતીની પદ્ધિતનું નામ
પાલેકર ખેતીની જાણકારી મેળવતા પહેલા સુભાષ પાલેકર નામના ખેડૂત વિશે જાણવુ જરુરી છે. સુભાષ પાલેકર ખેડૂત વૈજ્ઞાનિક છે. મહારાષ્ટ્ર તેમનું મુખ્ય કર્મક્ષેત્ર છે. તેમણે વિકસિત કરેલી ખેત પદ્ધિત એટલે પાલેકર ખેતી. આ રીત વિકસાવવા પાછળ તેમનો 15 વર્ષોનો અભ્યાસ અને અનુભવ છે. આ વિશે સુભાષ પાલેકર જણાવે છે કે, જ્યારે ખેતરમાં પુરતું ખાતર નાખ્યા પછી પણ ઉત્પાદન ન વધ્યુ તો હું જંગલ તરફ વળ્યો. જંગલમાં જઈને મને પ્રશ્ન થયો કે, જંગલમાં કોઈપણ માનવીય મદદ વગર આટલા હર્યા-ભર્યા જંગલો કેવી રીતે ઉભા થયા? અહિંયા રાસાયણિક ખાતર નાખવા કોણ આવતુ હશે? જો અહીંયા જંગલોમાં વગર ખાતરે હરિયાળી થતી હોય તો અમારા ખેતરમાં કેમ નહીં? આ સવાલોના જવાબ મેળવવા વગર મૂડીરોકાણની ખેતીની રીત શોધવા હું કામે લાગ્યો. વર્ષોના ગહન અભ્યાસ પછી તેમને વગર મૂડીની ખેતપદ્ધિત શોધવામાં સફળતા મળી. પાલેકર ખેડૂત વૈજ્ઞાનિક સાથે સંપાદક પણ છે. તેમણે કેટલાક વર્ષો સુધી કૃષિ પત્રિકાનું સંપાદન કરવાની સાથે સાથે અલગ-અલગ ભાષામાં 15થી વધારે પુસ્તકો લખ્યા છે.
શું છે પાલેકર ખેતી?
સુભાષ પાલેકરે વિકસીત કરેલી ખેતીની પદ્ધિતી આ પ્રમાણેના બિંદુઓ પર ટકેલી છે. આ વિધિમાં શંકર કે જીએમ(જીનેટિકલી મોડિફાઈડ) બીજનો ઉપયોગ નથી થતો. આ ખેતી માટે માત્ર દેશી બીજનો ઉપયોગ એક કરતાં વધારે વર્ષો સુધી કરાઈ છે. આ ખેતીનો સિંધ્ધાત એ છે કે, કોઈ પણ ઉપજનો 98.5 ટકા ભાગ પ્રકૃતિનો હોય છે. જેમાં હવા,પાણી, અને પ્રકાશનો સમાવેશ થાય છે. જ્યારે 1.5 ટકા ભાગ જમીનમાંથી લેવામાં આવે છે. હવે માત્ર આ 1.5 ટકા ભાગ માટે હજારો રુપિયાનો ખર્ચો કરવાની જરુર નથી. જેથી પાલેકર ખેતીમાં પાણી જમીનમાંથી મેળવવામાં આવે છે. જમીનમાંથી પાણી લાવવાનું કામ અળસીયા દ્વારા થાય છે. જે જમીનમાં છીદ્ર પાડે છે. જેથી વરસાદી પાણી જમીનના ઉંડાણમાં ઉતરે છે. જેથી આ ખેતીમાં કોઈપણ પ્રકારનું ખાતર , જંતુનાશક કે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારની ખેતીમાં ગાય ખૂબ જરુરી છે. દેશી ગાયનું છાણ ફક્ત ખાતર નહીં જંતુનાશક દવાનું પણ કામ કરે છે. પાલેકરનો દાવો છે કે, આ ઝીરો બજેટની ખેતીથી ઉત્પાદન વધે છે અને ખેડૂતોને સારો ભાવ પણ મળે છે. આ વિધિનો ઉપયોગ કરવાથી ખેડૂતોને દેવુ કરવાની કે આપઘાત કરવાની જરુર નહીં પડે.
પાલેકર ખેતીની સ્વિકૃતિ
આ પદ્ધિતનો ઉપયોગ વિદેશમાં શરુ થઈ ગયો છે. સુભાષ પાલેકર છેલ્લા 20 વર્ષોથી સતત મૂડીરોકાણ વગરની પાકૃતિક ખેતીની તાલીમ ખેડૂતોને આપી રહ્યા છે. જેનો ઉપયોગ કરીને મોટીસંખ્યામાં ખેડૂતો સારી ઉપજ મેળવી રહ્યા છે. તેમના આ યોગદાનના કારણે 2016માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.