પોર્ટ બ્લેયર: અંદમાનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સમાં રોગચાળાને કારણે તેની વધતી સંખ્યા અને મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના (માર્ક્સવાદી) મહાસચિવ સીતારામ યેચુરીએ પીએમ મોદીને એક પત્ર લખ્યો છે.
યેચુરીએ પત્રમાં લખ્યું છે કે, જેમ જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અંદમાનમાં બધા ટાપુઓ માટે એક જ પરીક્ષણ કેન્દ્ર અને એક જ કોવિડ હોસ્પિટલ છે, જે પોર્ટ બ્લેયરમાં છે.
યેચુરીએ વધુમાં લખ્યું છે કે, કોરોનાનો રિપોર્ટ આવતા 8 દિવસ લાગે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલના 18 ડોકટરો પહેલાથી જ વાઇરસથી સંક્રમિત છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં લગભગ 2 હજાર કોરોનાના કેસ છે. જેમાંથી 829 દર્દીઓ સાજા થયા છે. આ રોગથી અત્યાર સુધી 21 લોકોના મોત થયા છે. ઉત્તર અંદમાન પોર્ટ બ્લેયરથી લગભગ 300 કિમી દૂર છે. ત્યાં સ્થિત એક માત્ર કોવિડ હોસ્પિટલે પહોંચવામાં દર્દીને કલાકોનો સમય લાગે છે.
તેમણે પત્રમાં માગ કરી છે કે, વધુ કોવિડ કેન્દ્ર ખોલવામાં આવે. જેથી કોરોનાનો રિપોર્ટ ઝડપથી આવી શકે. કોવિડ દર્દીઓની સારવાર માટે સક્ષમ વધુ આરોગ્ય કેન્દ્રો ટાપુઓમાં ઘણા સ્થળોએ સ્થાપિત કરવા જોઈએ.