- આજથી વોટ્સએપથી હવે કોઈને પણ પેમેન્ટ કરી શકાશે
- પેમેન્ટ ટ્રાન્સફર કરવા વોટ્સએપે 5 બેન્ક સાથે કર્યા કરાર
- મેસેજની જેમ જ સરળતાથી પેમેન્ટ પણ મોકલી શકાશે
- વોટ્સએપ ન વાપરતા લોકોને પણ પેમેન્ટ કરી શકાશે
ન્યૂઝ ડેસ્કઃ ફેસબુક ઈન્ડિયા હેડ અજિ મોહને કહ્યું કે, ભારતમાં વોટ્સએપ પર પેમેન્ટ લાઈવ થઈ ચૂક્યું છે. હવે લોકો વોટ્સએપથી એકબીજાના પૈસા ટ્રાન્સફર કરી શકશે. અમે આ વાતને લઈને ઘણા ઉત્સાહિત છીએ કે, કંપની ભારતના ડિજિટલ પેમેન્ટ શિફ્ટમાં યોગદાન આપી શકશે. ભારતમાં વોટ્સએપ પેમેન્ટ દસ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ થશે. જો તમારા વોટ્સએપમાં પહેલાથી જ પેમેન્ટનો વિકલ્પ છે તો તમે તેનો ઉપયોગ કરી શકશો, નહીં તો વોટ્સએપ અપડેટ કરીને પેમેન્ટ વિકલ્પ ચેક કરી શકશો.
વોટ્સએપથી પેમેન્ટ કરવા ગ્રાહક પાસે ડેબિટ કાર્ડ હોવું જરૂરી
વોટ્સએપ પેમેન્ટનો ઉપયોગ કરવા માટે ગ્રાહકો પાસે ડેબિટ કાર્ડ હોવું ખૂબ જરૂરી છે, જે યુપીઆઈ સપોર્ટ કરે છે. વોટ્સએપ પેમેન્ટ વિકલ્પમાં જઈને તમે બેન્ક સિલેક્ટ કરીને તમામ ડિટેલ્સ ભરી આને એક્ટિવેટ કરી શકશો. વોટ્સએપે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, આજથી દેશભરમાં વોટ્સએપ યુઝર્સ વોટ્સએપના માધ્યમથી જ એકબીજાને પેમેન્ટ કરી શકશે. જેમ વોટ્સએપમાં મેસેજ સરળતાથી મોકલી શકાય છે તેવી જ રીતે સરળતાથી વોટ્સએપ પર પેમેન્ટ કરી શકાશે. વોટ્સએપે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે મળીને યુનિફાઈડ પેમેન્ટ એટલે કે યુપીઆઈ બેસ્ટ પેમેન્ટ ઈન્ટરફેસ તૈયાર કર્યું છે અને આમાં ડેટા લોકલાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વોટ્સએપે પાંચ બેન્ક સાથે કર્યા કરાર
વોટ્સએપે પેમેન્ટ સર્વિસ માટે પાંચ મોટી બેન્ક સાથે કરાર કર્યો છે, જેમાં ICICI બેન્ક, HDFC બેન્ક, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને જિઓ પેમેન્ટ્સ બેન્કનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ દ્વારા માત્ર વોટ્સએપમાં જ નહીં, પરંતુ વોટ્સએપના કોઈ પણ યુપીઆઈ સપોર્ટેડ એપમાં પૈસા મોકલી શકાશે. એટલે કે જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પેમેન્ટનો ઉપયોગ નથી કરતો તો પણ તમે વોટ્સએપથી પેમેન્ટ કરી શકશો. વોટ્સએપના મતે અહીં પેમેન્ટ કરવું સિક્યોર હશે અને દરેક ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ પીનની જરૂર પડશે. સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું કે, વોટ્સએપ પેમેન્ટ એન્ડ્રોઈડ અને આઈઓસી બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. તેના માટે યુઝર્સ એપ અપડેટ કરી શકે છે.