કલકત્તા: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના હારોઆમાં એક આદિજાતિ યુવતી નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવી છે. યુવતી સાથે દુષ્કર્મ થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીને રસ્તાની બાજુમાં હાથ-પગ બાંધી ફેંકી દેવામાં આવી હતી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ તેના હાથ-પગ બાંધી તેને ફેંકી દેવામાં આવી હતી.
યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ ઘટના સામે હારોઆમાં પ્રદર્શન પણ કર્યું હતું. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પીડિતાનો મેડિકલ રિપોર્ટ હજી મળ્યો નથી.