હૈદરાબાદ: કોરોના વાઇરસે વિશ્વભરમાં પોતાનો પંજો ફેલાવવાનું ચાલુ રાખ્યું છે, ત્યારે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ વાતાવરણીય અને હવામાન પર દેખરેખ ઉપરાંત હવામાનનાં અવલોકોનો તથા આગાહીઓની માત્રા તથા ગુણવત્તા પર કોવિડ-19 મહામારીના વધી રહેલા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વર્તમાન કોવિડ-19 રોગચાળા દરમિયાન WMO દ્વારા સહનિર્દેશિત ગ્લોબલ ઓબ્ઝર્વિંગ સિસ્ટમની સમગ્રતયા સ્થિતિ અને કાર્યદેખાવ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. એરક્રાફ્ટમાંથી લેવામાં આવેલાં મિટિયોરોલોજીકલ માપનો સામાન્ય કરતાં સરેરાશ 75-80 ટકા ઘટ્યાં હતાં, પરંતુ દક્ષિણ ગોળાર્ધમાં વ્યાપક પ્રાદેશિક વિભિન્નતાઓ સાથે આ ઘટાડો આશરે 90 ટકા જેટલો થયો છે.
એવું માલૂમ પડ્યું છે કે, ખાસ કરીને ઘણાં સ્ટેશનો ઓટોમેટિક નહીં બલ્કે મેન્યુઅલ હોય તેવા આફ્રિકા અને મધ્ય તથા દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં સપાટી-આધારિત હવામાન અવલોકનોમાં ઘટાડો નોંધાયો છે. WMOના સેક્રેટરી જનરલ પેટ્ટેરી ટાલસે જણાવ્યું હતું કે, નેશનલ મિટિયોરોલોજીકલ એન્ડ હાઇડ્રોલોજીકલ સર્વિસિઝ તેમનાં જરૂરી 24/7 કાર્યો કરી રહી છે, પરંતુ ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કોરોના વાઇરસ મહામારીના પરિણામ સ્વરૂપે તે ઘણાં પડકારોનો સામનો કરી રહી છે.
"જીવન અને મિલકતોનું રક્ષણ કરવાની તેમની સમર્પિતતાને અમે સલામ કરીએ છીએ, પરંતુ અમે ક્ષમતા તથા સંસાધનો સામે વધી રહેલાં વિઘ્નો વિશે ચિંતિત છીએ. પેસિફિકમાં ટ્રોપિકલ સાઇક્લોન હેરોલ્ડ અને પૂર્વ આફ્રિકામાં પૂરની સ્થિતિને જોતાં ક્લાઇમેટ ચેન્જની અસરો તથા હવામાન સંબંધિત હોનારતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
એટલાન્ટિકમાં ઝંઝાવાતની મોસમ નજીક આવી રહી છે, તે સંજોગોમાં કોવિડ-19ની મહામારી એક ઉમેરારૂપ પડકાર છે અને તે જે-તે એક દેશના સ્તરે એક કરતાં વધુ અંતરાયો ઊભા કરવાનું જોખમ ઊભું કરે, તેવી શક્યતા છે. જેથી સરકાર તેમની રાષ્ટ્રીય આગોતરી ચેતવણી અને હવામાનના અવલોકનની ક્ષમતાઓ પર ધ્યાન આપે, તે જરૂરી છે. મોટા ભાગનાં વિકસિત દેશોમાં સપાટી આધારિત હવામાન અવલોકનો હવે લગભગ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે.
જોકે, ઘણાં વિકાસશીલ દેશોમાં ઓટોમેટેડ અવલોકનોમાં રૂપાંતરની કામગીરી હજી પ્રગતિના પંથે છે અને મિટિયોરોલોજીકલ સમુદાય હજી પણ હવામાન નિરીક્ષકો દ્વારા મેન્યુઅલી લેવાયેલાં તથા વૈશ્વિક હવામાન અને ક્લાઇમેડ મોટલ્સના ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય નેટવર્ક્સમાં પ્રસારિત થતાં અવલોકનો પર આધાર રાખે છે.
WMO મરીન ઓબ્ઝર્વિંગ સિસ્ટમ દ્વારા પણ અવલોકનોના આદાન-પ્રદાન પર દેખરેખ રાખી રહ્યું છે, જે મહાસાગરો દ્વારા આવરી લેવાયેલી પૃથ્વીની 2/3 સપાટીમાંથી જરૂરી માહિતી પૂરી પાડે છે. ઓશન ઓબ્ઝર્વિંગ સિસ્ટમ ઊંચી કક્ષાના ઓટોમેશન પર પણ આધાર રાખે છે અને મોટાભાગના ભાગો ઘણા મહિનાઓ સુધી સુપેરે કામગીરી કરવાનું ચાલુ રાખે, તેવી અપેક્ષા છે. આ તબક્કે સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ વોલન્ટરી ઓબ્ઝર્વિંગ શિપ્સ (VOS) પર પડ્યો છે, જેમાં ડેટાની ઉપલબ્ધતામાં સામાન્ય સ્તરની તુલનામાં આશરે 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
એક સકારાત્મક પાસું એ છે કે, વર્તમાન પરિસ્થિતિ WMOના સભ્યો જેના પર વધુને વધુ આધાર રાખી રહ્યાં છે, તે અવકાશ આધારિત ઓબ્ઝર્વિંગ સિસ્ટમના ઘટકનું મહત્વ તથા તેની સ્થિરતાનું નિદર્શન કરે છે. વર્તમાન સમયમાં 30 મિટિયોરોલોજીકલ અને 200 રિસર્ચ સેટેલાઇટ્સ આવેલા છે, જે સતત ઉચ્ચ કક્ષાનાં ઓટોમેટેડ અવલોકનો પૂરાં પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, WMOની ગ્લોબલ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ (વૈશ્વિક નિરીક્ષણ વ્યવસ્થા)એ WMOના 193 સભ્ય દેશો તથા પ્રદેશો દ્વારા તેમના નાગરિકોને પૂરી પાડવામાં આવતી તમામ હવામાન અને આબોહવા સેવાઓ તથા ઉત્પાદનોના આધાર તરીકેની ભૂમિકા ભજવે છે. તે જમીન, સમુદ્ર અને અવકાશ આધારિત સાધનો દ્વારા વાતાવરણ તથા મહાસાગરની સપાટીની સ્થિતિ પરનાં અવલોકનો પૂરાં પાડે છે. આ ડેટાનો ઉપયોગ હવામાનનાં વિશ્લેષણો તૈયાર કરવા માટે, આગાહીઓ, સૂચનાઓ તથા ચેતવણીઓ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.