સાયેટીકા વીશેની સમજણ
ડૉ. જોષીના કહેવા પ્રમાણે જો તમને પીઠમાં દુખાવાનો અથવા પીઠની નીચે પગમાં તળીયા સુધીનો દુખાવો થાય તો તાત્કાલીક ધોરણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તે સામાન્ય દુખાવાના બદલે સાયેટીકા પણ હોઈ શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક એવા લક્ષણો પણ છે જે જોવા મળે તો દર્દીએ શક્ય તેટલુ જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તે લક્ષણો આ પ્રમાણે છે.
કમરથી પગ સુધી તીવ્ર દુખાવો થવો અને ચાલવા કે પગ હલાવવા પર આ દુખાવો અસહ્ય બનવો.
બેસતી વખતે પગની એક તરફ કોઈ એક બીંદુ પર અસહ્ય દુખાવો થવો.
દર્દી સુતો હોય કે બેઠો હોય અને ત્યાર બાદ તરત ઉભો થઈને ચાલવાની કોશીષ કરે ત્યારે પગમાં દુખાવો થવો અથવા કમરથી પગના તળીયા સુધી સ્નાયુમાં ખેચાણનો અનુભવ થવો.
લાંબા સમય સુધી એક જ સ્થીતિમાં બેઠા બાદ પગમાં નિષ્ક્રીયતાનો અનુભવ થવો અથવા પગમાં સોય ખુંચતી હોય તેવો દુખાવો થવો.
સંડાસ અને પેશાબ જેવી નીયમીત પ્રવૃતિઓ પર નિયંત્રણના અભાવનો અનુભવ થવો.
સાયેટીકાના કારણો
સાયેટીક નર્વમાં ખામી સર્જાવી એ સાયેટીક પેઇનનું એકમાત્ર કારણ નથી. કરોડરજ્જૂ અથવા આપણા શરીરના અન્ય ચેતાતંતુઓમાં ખામી સર્જાવાને કારણે પણ સાયેટીક પેઇન થઈ શકે છે. તેમાંના કેટલાક કારણો આ પ્રમાણે છે:
હર્નીએટેડ ડીસ્ક
તેને સ્લીપ ડીસ્ક પણ કહેવામાં આવે છે. આ સ્થીતિમાં કમરથી નીચે પગથી તળીયા સુધીના ભાગમાં દુખાવાનો અનુભવ થાય છે. આ સાયેટીકાનું સૌથી સામાન્ય કારણ હોય છે.
કરોડરજ્જૂ સ્ટેનોસિસ
કરોડરજ્જૂમાં સંકોચનને કારણે સાયેટીક અને તેની આસપાસની અન્ય ચેતામાં દબાણ ઉભુ થાય છે.
સ્પોન્ડિલોલિસ્ટિસ
સ્પોન્ડિલોલિસ્ટિસએ ડીજનરેટીવ ડીસ્ક ડીસઓર્ડરને લગતી બીમારીઓમાંની એક બીમારી છે.
પિરીફોર્મિસ સિન્ડ્રોમ
પિરીફોર્મિસ એ એક અસામાન્ય ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર છે જેમાં તમારી પિરીફોર્મિસ સ્નાયુઓ સાયેટીકાના કારણે અનિયમીત રીતે સંકોચાય છે અથવા સજ્જડ બને છે. તમારી પિરીફોર્મિસ સ્નાયુ એ એક એવી સ્નાયુ છે કે જે તમારી કરોડરજ્જૂના નીચેના ભાગને જાંઘના સાથે જોડે છે. જ્યારે આ સ્નાયુ સજ્જડ બને છે ત્યારે સાયેટીક નર્વ પર દબાણ ઉભુ થાય છે અને તે સાયેટીકાનું કારણ બને છે.
આ ઉપરાંત, કેટલીક વખત કોઈ તીવ્ર કેમીકલનો શરીરમાં આકસ્મીક પ્રવેશ થાય અથવા સાયેટીક નસને દબાવતી કોઈ ગાંઠ બને છે ત્યારે પણ આ સમસ્યા ઉભી થઈ શકે છે.