ન્યૂઝ ડેસ્ક: કૉવિડ-૧૯ ફાટી નીકળ્યો છે ત્યારથી ડ્રગ ઘૂસાડવાના બનાવોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. મુંબઈના મહેસૂલ ગુપ્તચર (ડીઆરઆઈ)ના ડિરેક્ટરોરેટે કસ્ટમ્સ સાથે એક સંયુક્ત કાર્યવાહીમાં રૂ. ૧,૦૦૦ કરોડની કિંમતનું ૧૯૧ કિગ્રા હેરોઇન જપ્ત કર્યું. આ જથ્થો અફઘાનિસ્તાનથી ઈરાન થઈને આવ્યો હતો. હેરોઇનનાં પડીકાંઓ–ે પાઇપમાં છુપાવવામાં આવ્યાં હતાં અને કાર્ગોમાં તેને પરંપરાગત ઔષધિઓ તરીકે દર્શાવવામાં આવી હતી. આ પ્રકારની ગુના પદ્ધતિ માત્ર વર્તમાન કિસ્સા પૂરતી મર્યાદિત નથી પરંતુ મોટાં મોટાં અનેક ભારતીય શહેરોમાં આવા અનેક કૌભાંડો પરથી પડદો ઉઠાવાયો છે. જાન્યુઆરીમાં પંજાબ પોલીસે અમૃતસર જિલ્લાના એક ઘરમાંથી રૂ. ૨,૦૦૦ કરોડની કિંમતનું લગભગ ૨૦૦ કિગ્રા હેરોઇન પકડી પાડ્યું હતું અને એક અફઘાન નાગરિક સહિત છ લોકોની ધરપકડ કરી હતી.
આધુનિક ડ્રૉનની મદદથી થોડીક બદમાશ ગેંગો સરહદ પારની આ ડ્રગ દાણચોરીમાં લિપ્ત છે. આ ગેંગો હેરોઇન અને શસ્ત્રોને પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડવા ડ્રૉન ઉડાડે છે. ગયા વર્ષે મુંબઈ નાર્કૉટિક્સ કંટ્રૉલ બ્યુરો (એનસીબી)એ ડાર્કનેટની બહાર ડ્રગ્ઝ ખરીદવા બિટકૉઇનનો ઉપયોગ કરતા ચોરોની ધરપકડ કરી હતી. અત્યારે સરકારનાં તંત્રો ચાલી રહેલી જાહેર આરોગ્ય કટોકટીની સામે લડવામાં લાગેલાં છે ત્યારે ડ્રગ સિન્ડિકેટ ડ્રગ ઘૂસાડવાની નવીનવી પદ્ધતિ શોધી કાઢી રહી છે. માનસિક આરોગ્ય વ્યાવસાયિકો મુજબ, તરુણો અને યુવાનો ડ્રગના ઉપયોગ કરવા લાગે તેવી પૂરી શક્યતા હોય છે. ડ્રગના બદમાશો એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફૉ્ર્મથી હવે ડાર્કનેટ અને ડીપ વેબ સોદાબાજી તરફ વળી ગયા છે. ડ્રગ વિરોધી જૂના કાયદાઓ અને એનસીબીની મર્યાદાઓના કારણે દેશમાં માદક દ્રવ્યોની સ્થિતિ વધુ ને વધુ દુઃખદ બનતી જઈ રહી છે. આઘાતજનક રીતે, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને યુવાનો ભારતમાં ડ્રગ વેચનારા બની ગયા છે.
છેલ્લાં દસ વર્ષમાં માત્ર રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાંથી જ ૫૦ લાખ કિગ્રા નાર્કૉટિક્સ ડ્રગ્ઝ જપ્ત કરાયું હતું. વિશ્લેષકોનો મત છે કે પકડાયેલાં કૌભાંડો તો હિમશિલાની માત્ર ટોચ જ છે. સત્તાવાર આંકડા મુજબ, ૧૫ ટકા ભારતીયો દારૂના વ્યસની છે જ્યારે ડ્રગ વ્યસનીઓની સંખ્યા ત્રણ કરોડ કરતાં વધુ છે. જૂનમાં કેન્દ્રએ ૨૭૨ સૌથી વધુ નબળા જિલ્લાઓમાં ડ્રગ વ્યસન નાબૂદ કરવા માટે ડ્રગ વિરોધી વાર્ષિક કાર્ય યોજના શરૂ કરી હતી. નશા મુક્ત ભારત અભિયાન ડ્રગના વ્યસન અને ગેરકાયદે ડ્રગના વેપાર સામે છે, સંબંધિત તંત્રો જેમ કે નાર્કૉટિક્સ કંટ્રૉલ બ્યુરો, ઍક્સાઇઝ ડિપાર્ટમેન્ટ અને એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરોટ વચ્ચે બહુ નબળું સંકલન છે. ડ્રગની સામે કડક કાર્યવાહી માટે કમ્બૉડિયા, વિયેતનામ, સિંગાપોર અને થાઇલેન્ડ જાણીતા છે. ગેરકાયદે ડ્રગનો કબજો હોવો, તેનો સંગ્રહ કરવો, તેનું વિતરણ કરવું, કે તેનો વેપાર કરવાથી ભારે દંડ, જેલની સજા અથવા દેહાંત દંડ પણ મળી શકે છે. ભારતમાં સજા ૧૦ વર્ષ સુધી છે અથવા રૂ. ૧ લાખ સુધીનો દંડ અથવા બંને છે. અહીં કડક કાયદાના અભાવમાં મોટા ભાગના ડ્રગ વેચનારાઓ સજામાંથી છટકી જાય છે. જે આફત યુવાનોની જિંદગી બગાડી રહી છે તેનાથી સરકાર કેમ આંખ ફેરવી રહી છે? જ્યારે સરકાર, માતાપિતા અને શિક્ષકો એક ગંભીર પ્રયાસ કરશે ત્યારે જ ડ્રગના ભયને નાથી શકાશે!