નવી દિલ્હી : ભારતમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ 50 કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પરંતુ દુ:ખદ વાત એ છે કે મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશી કંપનીઓનો બોલબાલા છે. જેમાં યુઝર્સના ડેટાની સુરક્ષા અને ગોપનીયતાને લઈ જોખમ હોવાની વાત સતત સામે આવતી હોય છે. ચીન સાથે સરહદ વિવાદ બાદ દેશમાં ચીની એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના પછી દેશમાં ઘરેલુ અને ‘મેડ ઈન ઇન્ડિયા’ એપ્સની માંગ વધી છે.
રવિવારે લોન્ચિંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હાજર રહ્યા હતા. એપ લોન્ચિંગ સમયે યોગગુરૂ રામદેવ, અયોધ્યા રામ રેડ્ડી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ પણ હાજર હતા. Elyments એપમાં યૂઝરનો ડેટા સુરક્ષિત રહેશે અને કોઈ મંજૂરી વગર ત્રીજી પાર્ટી લઈ શકશે નહીં.
આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર હાલ પણ હાજર છે અને લાખો લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. પરંતુ તેની સત્તાવાર લોન્ચિંગ રવિવારે કરવામાં આવી હતી.આ એપ 8 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં ઓડિયો-વીડિયો કોલિંગની પણ સુવિધા આપવામાં આવી છે. સામાન્ય રીતે, આ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે, તમારે વિવિધ એપ્લિકેશનો ડાઉનલોડ કરવી પડતી હોય છે, પરંતુ આ એપમાં આ તમામ સુવિધાઓ ઉપલ્બધ છે.
ભારત એપ અને સોશિયલ મીડિયાના મામલામાં પણ આત્મનિર્ભર બનવાની કવાયત કરી રહ્યું છે. પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલા ઘર્ષણ અને ઘમંડી દેખાડ્યા બાદ ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો. તો પીએમ મોદીએ દેશના લોકોને એપ બનાવવાની ચેલેન્જ પણ આપી છે. જેથી દેશની આગળની નીતિ સ્પષ્ટ છે. ભારત દુનિયા માાટે સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના મામલામાં મોટુ બજાર છે. તેનો ફાયદો ભારત પણ ઉઠાવી શકે છે.