ઉત્તર પ્રદેશ: દેવરિયા સદર સીટના ભાજપના ધારાસભ્ય જન્મેજયસિંહનું ગુરૂવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી હાર્ટની બિમારીથી અસ્વસ્થ હતા. ત્યાં ગુરૂવારે અચાનક તેમની તબિયત લથડતાં પરિવારના લોકોએ તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું.
ભારતીય જનતા પાર્ટીની દેવરિયા સદર સીટથી ધારાસભ્ય જન્મેજયસિંહનો જન્મ 7 જુલાઇ 1945 ના ગૌરીબજારના દેવગામમાં થયો હતો. તેમના પિતા ત્રિલોકીનાથ સિંહ ખેડૂત હતા. તેમને ત્રણ દીકરા અને ચાર દીકરીઓ હતી. જન્મેયજયસિંહ વર્ષ 2000માં થયેલ પેટા ચૂંટણીમાં પહેલી વખત બસપાની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 2002માં તે ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2007માં તે ભાજપામાં સામેલ થયાં હતાં. ત્યારબાદ ઉત્તરપ્રદેશની 16 મી અને 17મી વિધાનસભાના સદસ્ય રહ્યા હતા.
જન્મેયજયસિંહના નિધનના સમાચાર મળતાં જ તેમના સમર્થકોમાં શોક છવાઇ ગયો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તા અને સમર્થકો તેમના ગામ પહોંચ્યા હતા.