અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ભારત મુલાકાત દરમિયાન અમદાવાદમાં એક ભવ્ય રોડ શોમાં હાજરી આપશે અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મોટેરામાં નવા બનેલા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ કરશે. US પ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદીઓએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની આગામી મુલાકાતના કાર્યક્રમનું નામ 'કેમછો ટ્રમ્પ' નામ રાખ્યું છે.
રોડ શોનો પ્રારંભ
ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં ટ્રમ્પ એક વિશાળ રોડ શોમાં ભાગ લેશે. આ રોડ શો માટે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ચાલશે. જેથી દસ કિલોમીટર સુધીનો માર્ગ શણગારવામાં આવ્યો છે,ત્યારબાદ ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની લડત લડી હતી.
સ્ટેડિયમ ઉદ્ઘાટન
ટ્રમ્પ અને મોદી બાદમાં શહેરના મોટેરા વિસ્તારમાં તાજેતરમાં બનાવામાં આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને સભાને સંબોધન કરશે, જેમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. અગાઉ એક અધિકારીએ કહ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમમાં 1.10 લાખ લોકો બેસવાની ક્ષમતા છે, જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા વધુ છે.
'હાઉડી મોદી' બાદ 'કેમછો ટ્રંપ'
સ્ટેડિયમમાં આયોજિત આ મોટો કાર્યક્રમ ગત વર્ષે અમેરિકામાં યોજાયેલ 'હાઉડી મોદી' કાર્યક્રમ જેવો હશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોદી અને ટ્રમ્પ એક સ્ટેજ પર જોવા મળ્યાં હતાં, મોદીએ 50,000 ભારતીય-અમેરિકી નાગરિકોનો સંબોધન કર્યુ હતું.
વેપાર પર સમજૂતિ
ભારત પ્રવાસ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતિ પર કરાર કરી ચર્ચા કરશે. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચાલુ મહિને જ ભારતની મુલાકાત પર વાતચીત શરૂ થઇ હતી. બંને દેશો કેટલાક મુદ્દાઓને હલ કરવા અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે સમજૂતિ કરવા જઈ રહ્યાં છે. ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમ પેદાશો પર અમેરિકાએ લગાવેલ ડ્યૂટીમાં મુક્તિ અગ્રમતા આપવાની વાત છે. જીએસપીમાં અમુક સ્થાનિક ઉત્પાદનો માટે નિકાસના લાભ ફરી શરૂ કરવા મહેનત કરવામાં આવી રહી છે. જેમાં કૃષિ, વાહનો, ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ હેઠળના કેટલાક ઉત્પાદનો પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે.
ભારતે ડ્યૂટીમાં ઘટાડો કરવો જોઇએ
બીજી તરફ US ઈચ્છે છે કે, ભારત પોતાના કૃષિ, ડેરી ઉત્પાદનો અને તબીબી ઉપકરણો તથા માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીના ઉત્પાદનો પર આયાત ડ્યૂટી ઘટાડે. નાણાંકીય વર્ષ 2018-19માં ભારત અને અમેરિકાની નિકાસ 52.4 અબજ ડોલર રહી હતી, જ્યારે આયાત 35.5 અબજ ડોલર રહી હતી. આ જ સમયે વેપારી નુકસાન 2018-19માં ઘટીને 16.9 અબજ થઈ હતી, જે અગાઉના નાણાંકીય વર્ષમાં 21.3 અબજ ડોલર હતું.