નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ ભારત આવશે. આ દરમિયાન ટ્રમ્પ અમદાવાદ અને દિલ્હીમાં રહેશે. ટ્રમ્પના આ પ્રવાસ અંગે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકારને એક સલાહ આપી છે. શિવસેનાએ લખ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મોજીલા વ્યવહારના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. 10 દિવસ બાદ ભારતના પ્રવાસે આવ્યા પહેલાં ટ્રમ્પે ફરી એક વખત પોતાની એ જ અદાનો પરિચય આપ્યો છે. આ વખતે તેમનો આ વ્યવહાર બોલવાથી નહીં, પરંતુ તેમના કૃત્યથી સામે આવ્યો છે.
ભારતમાં ટ્રમ્પના જોરદાર સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે, એવામાં અમેરિકાએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી લીધું છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, વિશ્વ વ્યાપાર સંગઠનના ખંભે બંદૂક રાખી અમેરિકાની વેપાર પ્રતિનિધિ સમિતિએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી લીધું છે. જેને ભારત માટે મોટો આર્થિક ઝટકો કહી શકાય. વિકાસશીલ દેશ હોવાના કારણે ભારતને આજે પોતાના ઉત્પાદન અને નિકાસ માટે અમેરિકામાં મોટી છૂટ મળતી હતી, પરંતુ હવે ભારતના અમેરિકી વ્યાપારને જોરદાર ઝટકો લાગ્યો છે.
અમેરિકામાંથી ટેક્સમાં સબસિડી મળવાના દરવાજા બંધ થવાથી ઘણી વસ્તુઓની નિકાસ માટે ભારતને ભારી-ભરખમ રકમ ખર્ચ કરવી પડશે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતના તમામ વૈશ્વિક વેપારીઓને પણ આનું ખરાબ પરિણામ ભોગવવું પડશે. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વિકાસશીલ દેશોને વ્યાપાર વૃદ્ધિ માટે સબસિડી પૂરી પાડે છે. જે ટ્રમ્પના આંખમાં ખૂંચતી હતી. જેથી ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોને વિકાસશીલ દેશોની યાદીમાંથી અમેરિકાએ હટાવી લીધા છે.