મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરેને રવિવારે 'સામના' જૂથના નવા સંપાદક બનાવવામાં આવ્યાં છે. પ્રબોધન પ્રકાશન દ્વારા સંચાલિત જૂથમાં મુખ્યત્વે દૈનિક સમાચાર પત્ર 'સામના' અને 'દોપહર કા સામના' છે. જેને શિવસેનાનું સત્તાવાર પ્રકાશન માનવામાં આવે છે. આની સ્થાપના દિગવંત બાલાસાહેબ ઠાકરેએ કરી હતી.
સુભાષ આર.દેસાઇ અને લીલાધાર બી. ગ્રુપના પ્રકાશક રાજેન્દ્ર એમ ભાગવત દ્વારા અન્ય ટ્રસ્ટીઓના નામની સાથે રશ્મિ ઠાકરેને સંપાદક બનાવવામાં આવ્યાની જાહેરાત રવિવારના રોજ સમાચાર પત્રમાં કરવામાં આવી હતી.
જ્યારે પક્ષના એક નેતાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હવે રશ્મિ ઠાકરેને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેથી તે તેને સંપૂર્ણપણે નિભાવશે. જો કે, તેમણે વિસ્તારથી આ અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.
ઠાકરે પરિવારના નજીકના અને રાજ્ય સભા સાંસદ સંજય રાઉત હજૂ પણ જૂથના કાર્યકારી સંપાદક રહેશે અને લેખ લખતા રહેશે.
ઉલ્લેખનીય છે કે, 23 જાન્યુઆરી 1983ના રોજ 'સામના'ની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારે બાલ ઠાકરે સંપાદકની જવાબદારી નિભાવતા હતા. જ્યારે ' દોપહર કા સામના'ને 23 ફેબ્રુઆરી 1993ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું.