હાલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન નીવ રાખી દેવામાં આવી છે. જેનો મહારાષ્ટ્રના અનેક ગામોના લોકો વિરોધ કરી રહ્યાં છે. પ્રોજેક્ટ અંતર્ગત જે ખેડૂતોની જમીન આવી રહી છે એ ખેડૂતો જમીન આપવાની ના પાડી રહ્યાં છે. હવે રાજ્યમાં નવી સરકાર રચાતા પરિસ્થિતિ બદલાઈ છે. હવે નવી સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફરી વિચાર કરવા માંગે છે. આ અંગે ઠાકરેનું કહેવું છે કે, અમારી સરકાર સામાન્ય માણસની સરકાર છે, અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રિવ્યુ કરીશું, પણ એવું ક્યારેય કહ્યું નથી કે, અમે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રોકી દઇશું.
મહત્વનું છે કે, ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી એક સૌથી ઝડપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લેવાનો છે. જેમાં કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારે પણ ફંડિગ કરવાનું છે. રાજ્ય સરકાર પાસે 25 ટકા જેટલો હિસ્સો રહેશે. હવે મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એન.સી.પી.ની નવી સરકારનો દાવો છે કે, હાલ રાજ્યની આર્થિક સ્થિતિ નબળી છે, ઓછામાં પુરૂં હાલ રાજ્ય સરકાર પર 5 લાખ કરોડનું દેવું છે. જો રાજ્ય સરકાર વધુ ખર્ચ કરશે, તો આ દેવું વધતું જશે.
તમને જણાવી દઈએ કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની નીવ PM મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ રાખી હતી. આમ, ભારતમાં બુલેટ ટ્રેન લાવવામાં જાપાન ભારતને મદદ કરી રહ્યું છે, પંરતુ આ પ્રોજેક્ટનો મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ગામોમાં વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે મહારાષ્ટ્ર સરકાર શું નિર્ણય લે છે?