નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં મે 2018 માં તાલિબાનના કેઈસીના સાત કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે માહિતી આપી કે, 31 જુલાઇએ તેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે. આ પહેલા વધુ 4 બંધકોને બચાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી 6 લોકોનો બચાવ થયો છે અને હવે ફક્ત એક ભારતીય નાગરિક તાલિબાનના કબજામાં છે.
ઇદ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાન અને સરકારના સીઝફાયરના કારણે આશા હતી કે, ત્રણેયને તાલિબાનના કબજામાંથી મુક્ત કરી શકાય છે, પરંતુ અત્યારે માત્ર 2 જ લોકોને બચાવવામાં આવ્યા છે. મે 2018માં 7 ભારતીયો અને તેમના અફઘાન ડ્રાઈવરને તાલિબાનના એક સમુહ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે તેઓ અફઘાનિસ્તાનના ઉત્તર બાગલાન પ્રાંતમાં એક પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.
તેમના બદલામાં ખંડણી અને અફઘાનિસ્તાનની જેલોમાં કેટલાક તાલિબાન કેદીઓની મુક્તિ માટે માગ કરવામાં આવી હતી. વાટાઘાટો પછી બંધક ભારતીયોને માર્ચ 2019માં તાલિબાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 3ને અમેરિકન સૈન્યના કબજામાંથી 11 તાલિબાન આતંકવાદીઓને મુક્ત કર્યા પછી ઓક્ટોબર 2019માં બાગરામ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
છેલ્લા ભારતીય બંધકની મુક્તિ માટે સમસ્યા એટલા માટે આવી છે કે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ગંભીર ગુનાઓનો આરોપ લગાવતા 400 તાલિબાન અટકાયતીઓની મુક્તિ અટકાવી હતી અને કહ્યું હતું કે, દેશનું બંધારણ તેને મંજૂરી આપતું નથી. જો કે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેમણે આ મામલે નિર્ણય લેવા માટે 7 ઓગસ્ટે લોયા જિરગા (વિધાનસભા)માં બેઠક બોલાવી છે. છેલ્લા ભારતીય બંધકને છૂટા કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ બની શકે છે.
ભારતના વિદેશ મંત્રાલયે ભારત બંધકોને બચાવવામાં સતત સહયોગ માટે અફઘાનિસ્તાન સરકારનો આભાર માન્યો છે.