લખનઉઃ સુપ્રીમ કોર્ટ દ્વારા 'ત્રીજી જાતિ' તરીકે માન્યતા ધરાવતા ટ્રાન્સજેન્ડરને હવે ઉત્તર પ્રદેશમાં કૃષિ જમીનનો વારસો મેળવવાનો અધિકાર મળશે. રાજ્યના પ્રધાનમંડળે 2006ના ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ત્રીજી જાતિ જમીન માલિકના પરિવારના વ્યક્તિ તરીકે માનવામાં આવશે અને કૃષિ સંપત્તિ હસ્તગત કરવા માટે સમકક્ષ વિકલ્પ હશે.
રાજ્ય કાયદા પંચ દ્વારા કાયદા માટેનો ડ્રાફ્ટ પ્રસ્તાવ માર્ચ 2019માં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સુપરત કરવામાં આવ્યો હતો. કમિશન અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ.એન. મિત્તલે ધ્યાન દોર્યું હતું કે, તમામ વારસાના કાયદામાં 'પુત્રો', 'પુત્રી', 'પરણિત', 'અપરિણીત' અને 'વિધવા'નો ઉલ્લેખ છે, જે ત્રીજી જાતિના બાળકોને કાયદાના કાર્યક્ષેત્રથી દૂર રાખે છે. તેમના હિતોના રક્ષણ માટે કાયદા હોવા છતાં મોટા સામાજીક બહિષ્કારનો સામનો કરવો પડે છે.
સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ, નવા ઉત્તર પ્રદેશ મહેસૂલ સંહિતા (સુધારા) અધિનિયમ 2020માં, જમીન માલિકના સભ્યો તરીકે ત્રીજી જાતિના લોકોને સમાવવા માટે કલમ 4(10), 108 (2), 109 અને 110માં ફેરફાર કરવામાં આવ્યા છે.