ઉત્તર પ્રેદશ : કોરોના વાઇરસ મહામારીનો કહેર ચારેબાજુ ફેલાયેલો છે. ત્યારે માર્ચ મહિનામાં કોરોનાને કારણે સમગ્ર દુનિયા લોકડાઉન થઇ ગઇ હતી. બસ, ટ્રેન વિમાન સેવા પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. જેથી જે લોકો જ્યાં હતા, ત્યાં ફસાઇ ગયા હતા. જેમાં કેટલાંય ભારતીય નાગરિકો વિદેશમાં પણ ફસાઇ ગયા છે. જેમાંથી કેટલાંય ભારતીય લોકોને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા. પરંતુ સાઉદી અરેબિયામાં આશરે 4000 હજાર ભારતીય 5 મહિનાથી જેલની સજા કાપી રહ્યા છે.
ઉત્તર પ્રેદશના સહારનપુરના કસ્બા દેવબન્દમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયા પર એક ઓડિયો વીડિયો મોકલીને પોતાની આપવીતી સંભળાવી હતી. તેમજ મોદી સરકાર પાસેથી ભારત પાછા ફરવાની વિનંતી કરી છે. વીડિયોમાં જોવા મળે છે કે, કેવી રીતે એક રૂમમાં ભારતીયોને રાખવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, દેવબંદમાં રહેતો મુસ્તકીમ લોકડાઉન પહેલાં નોકરી કરવા સાઉદી અરેબિયા ગયો હતો. તે નોકરી શોધી રહ્યો હતો ત્યાં અચાનક લોકડાઉન થઇ ગયું હતું. સાઉદી સરકારને જાણ થતાં બધાં બહારના નાગરિકોને જેલમાં બંધ કરી દીધા હતા. એક રૂમમાં 250થી 300 લોકોને બંધ કરવામાં આવ્યા હતા. મુસ્તકીમ દ્વારા મોકલવામાં આવેલી આ તસવીરો સાઉદી અરેબિયાની પોલ ખોલે છે. મુસ્તકીમે પોતાનો ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી મોદી સરકાર પાસે ભારત પરત ફરવાની વિનંતી કરી છે. ઓડિયોમાં યુવક જણાવી રહ્યો છે કે, અમે લોકો કેટલાંય મહિનાથી સાઉદી અરબની જેલમાં બંધ છીએ. અહીંયા જમવાની પણ સમસ્યા છે. તેણે પીએમ મોદીને વિનંતી કરીને જણાવ્યું કે, અમને લોકોને અહીંયાથી મુક્ત કરાવો અમને અહીંયા બહુ તકલીફ પડી રહી છે. પાકિસ્તાન અને બાંગલાદેશના લોકોને અહીંયાથી મુકત કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમને નહીં.
મુસ્તકીમની પત્ની શબાનાએ જણાવ્યું કે, લોકડાઉનના આશરે 15 દિવસ પહેલાં મુસ્તકીમ કામધંધા અર્થ સાઉદી ગયો હતો. અચાનક લોકડાઉન થતાં તે ત્યાં ફસાઇ ગયો હતો. જે બાદ તેણે એક ઓડિયો અને એક વીડિયો મોકલ્યો હતો. જેમાં તેણે પોતાની સ્થિતિ જણાવી હતી. છેલ્લાં પાંચ મહિનાઓથી તેનો પતિ પરિવારથી દૂર છે. તેની પત્નીએ પણ પીએમ મોદીને વિનંતી કરી છે કે, તેના પતિ સહિત અન્ય ભારતીયોને પણ ભારત પરત લાવવામાં આવે.