લૉકડાઉન લંબાવ્યા પછી સરકારે કયા કયા ક્ષેત્રમાં કામકાજ શરૂ કરી શકાય તે માટેની માર્ગદર્શિકા બહાર પાડી હતી. તે પ્રમાણે દરેક પ્રકારની કૃષિ અને બાગાયતને લગતી પ્રવૃત્તિઓ, કૃષિ ઉત્પાદન ખરીદવેચાણનું કામકાજ વગેરે કરવા માટે મુક્તિ આપવામાં આવી છે. શિયાળુ પાકની લણણીનો સમય આવ્યો હતો ત્યારે જ ખેડૂતોને એક પછી એક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેથી કૃષિ કામકાજ પરથી પ્રતિબંધો હટ્યા તે આવકારદાયક છે. પરંતુ ત્યાંય કાળજી લેવી જરૂરી છે. મનરેગા માટેનું કામકાજ શરૂ કરી દેવામાં આવે તો તે ગ્રામીણ વિસ્તારોમાં પણ નવી સમસ્યા સર્જાઈ શકે છે એમ જાણકારો કહે છે.
લૉકડાઉનના કારણે દેશને રોજનું 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. એ રીતે ગણતરી કરીએ તો 40 દિવસના કુલ લૉકડાઉનમાં કુલ 14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આર્થિક સંકટનું જોખમ ઉઠાવીને પણ લૉકડાઉન આગળ વધાર્યું હતું, તો પછી હવે પ્રવર્તમાન સ્થિતિનું કાળજીપૂર્વકનું મૂલ્યાંકન કર્યા પછી જ છૂટછાટો જાહેર કરવી જોઈએ. કોઈ વિસ્તારમાં લૉકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવે અથવા કોઈ સેક્ટરમાં મુક્તિ આપવામાં આવે તો સંકટ ધારણા કરતાં વધારે ઝડપથી આગળ વધી શકે છે.
વડા પ્રધાન મોદીએ રોગચાળાને ફેલાતો અટકાવવા માટેના હેતુ સાથે લૉકડાઉનની જાહેરાત કરી હતી. કમનસીબે દેશમાં ઘણી જગ્યાએ તેનો ભંગ થતો જોવા મળ્યો હતો. બેન્ક, સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાને પણ લોકો એક બીજાથી અંતર જાળવવાની બાબતમાં બેકાળજી રાખતા જોવા મળ્યા હતા. પ્રતિબંધો હટાવી લેવામાં આવે તો ખોટી રીતે લોકો હળવાશના મૂડમાં આવી જશે અને તે પછી જો ફરીથી ચેપ ફેલાયો તો તેને કોઈ કાબૂમાં રાખી શકશે નહિ.
હૈદરાબાદમાં એક મહિના ખાનગી હૉસ્પિટલમાં પોતાની તબિયત બતાવવા માટે ગઈ હતી. પરિણામે 19 લોકોને કોરોના ચેપ લાગી ગયો. દિલ્હીમાં પીત્ઝા ડિલિવરીનું કામ કરતો એક યુવક તબિયત ખરાબ છતાં કામ કરતો રહ્યો હતો. બાદમાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે પોઝિટિવ આવ્યો. તેના કારણે પીત્ઝા મગાવનારા 72 પરિવારો અને યુવકના સંપર્કમાં આવેલા અન્ય લોકો સહિત 89ને ક્વૉરેન્ટાઇન કરવા પડ્યા હતા.
નિઝામુદ્દીન મરકઝમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા તેના કારણે પણ બાદમાં વાઇરસ ફેલાયો. COVID-19 બીમારીનો સામનો કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય સોશ્યલ ડિસ્ટન્સિંગ છે, પણ તેનું પાલન ના કરવાના કારણે ઘણા માટે તે આત્મઘાતી પણ પુરવાર થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે તે રીતે એકવાર રોગચાળો તેની ચરમસીમાએ પહોંચી જાય તે પછી તેને કાબૂમાં લેવો મુશ્કેલ બની જાય છે. મુંબઈમાં 1900 લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને 200 દર્દીઓને આઈસીયુમાં ત્યારે મુંબઈમાં રોગચાળાએ રાડ પડાવી દીધી છે. મુંબઈની હૉસ્પિટલોમાં હવે વધુ દર્દીઓને સારવાર માટે મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે.
મોટા શહેરોમાં આવી હાલત હોય તો ભારતના ગામડાંમાં શું સ્થિતિ થઈ શકે છે? ઘણા આરોગ્ય નિષ્ણાતો જણાવે છે તે પ્રમાણે નવેમ્બરમાં નવેસરથી રોગચાળો ફેલાઈ શકે છે ત્યારે ભારતે આ બાબતમાં બેકાળજી દાખવવી જોઈએ નહિ. રોગચાળો સંપૂર્ણપણે કાબૂમાં આવી ના જાય ત્યાં સુધી સરકારે દવા, શાકભાજી, અનાજ વગેરે ઘરેઘરે પહોંચાડવા જોઈએ.