ન્યૂઝ ડેસ્કઃ ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઘંઉ અને રાઇના પાકમાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘંઉની ખેતી માટે સમગ્ર દેશમાં વિખ્યાત એવા પંજાબ અને હરિયાણા રાજ્યમાં હજુ ઘંઉની લણણીનું કામ શરુ થયું નથી. કૃષિ પ્રવૃત્તિઓમાં આવી ગયેલી આ સ્થિરતા માટે ક્રિસિલના સર્વેક્ષણમાં ચાર મોટા કારણોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. આ વર્ષે રવિ પાકની લણણીમાં થયેલો વિલંબ, લોકડાઉનના પગલે મજૂરોની સર્જાયેલી અછત, પૂરતી પરિવહન સેવાનો અભાવ અને તદ્દન ઠપ થઇ ગયેલા માર્કેટ યાર્ડના કારણે ખેડૂતોની આ દશા થઇ છે.
ખેડૂતોની ખેત પેદાશો ખરીદનારા શોધ્યા જડતા નથી તેથી મોટાભાગના ખેડૂતોમાં તદ્દન અનિશ્ચિતા પ્રવર્તી રહી છે. પરિવહન સેવાના અભાવે ફળો અને શાકભાજી પકવતા ખેડૂતોને સૌથી વધુ આર્થિક નુકસાન થઇ શકે તેમ છે. કેમ કે તેમના ફળો અને શાકભાજી ખેતરોમાં સડી રહ્યા છે. ખેડૂતો દ્રાક્ષ અને સંતરા-મોસંબી જેવા ફળો લોકોને મફતમાં વહેંચી રહ્યા છે. કેટલાંક ખેડૂતોએ તો ફળો અને શાકભાજીથી લચી રહેલા ખેતરોમાં ગાય-ભેંસને મુક્તમને ચરવા દેવાની છુટ આપી દીધી છે. આ વર્ષે તગડો નફો કમાઇ લેવાની આશા રાખીને બેઠેલાં કેરી પકવતા ખેડૂતો આંતરરાજ્ય પરિવહન બંધ હોવાથી ભારે નિરાશામાં સરી પડ્યા છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં પૂરવઠો અને વિતરણની આટલી ખરાબ પદ્ધતિના સાક્ષી બનવું એનાથી બીજું ખરાબ શું હોઇ શકે?
1 કરોડ ટન જેટલા ચોખા-ડાંગરથી તેલંગાણા ઉભરાઇ જશે એવી જાહેરાત કરતા મુખ્યપ્રધાન કે.સી.આરે કહ્યું હતું કે, તેમની સરકાર રાજ્યના પ્રત્યેક કૃષિ-વેપાર કેન્દ્રોમાંથી અનાજનો એક એક દાણો ખરીદી લેશે. મકાઇ સહિતના અન્ય રવિ પાકોને ટેકાના ભાવે ખરીદી લેવા રૂ. 28,000 કરોડની ફાળવણી કરવી તે વાસ્તવમાં સરાહનીય પગલું છે. દેશના પ્રત્યેક રાજ્ય દ્વારા આ પ્રકારના પગલાં લેવાવા જોઇએ. તેલંગાણા સરકાર તરફથી અત્યંત ઉદાર અભિગમ અપનાવવા છતાં જિલ્લાના વહિવટીતંત્રોએ ખેડૂતોના જીવનને યાતનામય બનાવી દીધું છે. કોઇપણ સંસ્થાના ટેકાના અભાવે અને મહેનતાણાં જેટલી કિંમતના અભાવે ખેડૂતોએ આ વર્ષે પોતાની મહેનત અને ખેત-પેદાશોનું કોઇ સારું વળતર મળશે એવી આશા છોડી દીધી છે. યાદ રહે કે દેશનો ખેડૂત સમાજ ભવિષ્યમાં અનાજની કોઇ કટોકટી આવી ન પડે તે માટે અથાક પ્રયાસો કરી રહ્યો છે ત્યારે આપણે એક રાષ્ટ્ર તરીકે તેઓને યોગ્ય ટેકાના ભાવ આપતા પણ ખચકાઇએ છીએ.
યુનો દ્વારા એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે, હાલમાં વિશ્વભરમાં 13 કરોડ લોકો અનાજની અછત અનુભવી રહ્યા છે અને કોવિડ-19નો અંત આવ્યા બાદ આ આંકડો 25 કરોડ ઉપર પહોંચી જઇ શકે છે. આવા કપરા સંજોગોમાં કોઇપણ ખેત-પેદાશને ગટરમાં વહાવી દેવી નરી મૂર્ખામી ગણાશે. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે એક તદ્દન નવિનતમ વિચાર રજૂ કર્યો છે કે નેશનલ રૂરલ એમ્પ્લોઇમેન્ટ ગેરેન્ટી દ્વારા મજૂરોને પગારના સ્થાને અનાજ અપાવું જોઇએ. આ વિચારનો અમલ શરૂ કરવામાં આવે તો રોજગાર ઉભો કરવાના અને અનાજની ખપતના એમ બંને લક્ષ્યને એકસાથે હાંસલ કરી શકાય. તે સાથે સરકારોએ ઝડપથી બગડી જાય એવી ખેત-પેદાશોને તાત્કાલિક બજારમાંથી ખરીદી લઇને તેને કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડી દેવી જોઇએ. કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી આ ખેત-પેદાશોને જ્યારે જરૂર ઉભી થાય ત્યારે સ્થાનિક બજારોમાં લાવી શકાય અથવા તો તેની નિકાસ કરી શકાય. અસાધારણ સમયમાં અસાધારાણ નિર્ણયો જ રાષ્ટ્રને ઉગારી શકે.