રાજસ્થાનઃ રાજસ્થાન કોંગ્રેસમાંથી નારાજ થઈને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ સહિત અન્ય ધારાસભ્યોને ફરી એક મોકો આપવામાં આવ્યો છે. આજે પણ આવી જ સ્થિતિ છે, જ્યાં ધારાસભ્ય દળની બેઠક સતત બીજા દિવસે સવારે 10.30 વાગ્યે થવાની હતી, તે એક કલાક મોડી 11.30 વાગ્યે શરૂ થઈ હતી. કહેવાઈ રહ્યું છે કે બળવાખોર નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોની રાહ જોવામાં આવી હતી. આ પહેલા પાયલટને બેઠકમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, પાયલટ જૂથે ફરીથી બેઠકમાં આવવાનો ઈનકાર કર્યો છે.
સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, જે ધારાસભ્ય દિલ્હી અથવા માનેસરની હોટલમાં હાજર છે, તેમણે સવારે 10 વાગ્યે યોજાનારી ધારાસભ્ય દળની બેઠકમાં પહોંચવું જોઈએ, ભલે નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ કેમ ન હોય, પરંતુ પાયલટ સિવાયના અન્ય લોકો પણ જોડાય એ જરૂરી છે.
સુરજેવાલાએ કહ્યું કે, કોઈને કોઈ સમસ્યા અથવા મતભેદો હોય તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના દરવાજા બધા માટે ખુલ્લા છે અને તેઓ આ મતભેદો હાઇકમાન્ડ સામે સામે મૂકી શકે છે. એ સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટી સચિન પાયલટ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી છે અને ફરીથી વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની છે. આશા છે કે, સચિન પાયલટ હાજર રહે.
મહત્વનું છે કે, રાજસ્થાનમાં રાજનીતિની રામાયણ ચાલી રહી છે, ત્યાં CM અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાટલટનું ધ્યાન આંકડાકીય સમીકરણો પર કેન્દ્રીત થયું છે. ગેહલોતે સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં 107 જેટલા ધારાસભ્ય પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ પાયલટ છાવણીએ પણ એવો દાવો કર્યો છે કે, તેમના 18 ધારાસભ્ય આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા નથી.