નવી દિલ્હી: ઉત્તર પૂર્વી દિલ્હી હિંસા કેસના મુખ્ય આરોપી અને પૂર્વી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના કાઉન્સિલર તાહિર હુસૈનનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. પૂર્વી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગૃહ બેઠકમાં ઠરાવ પસાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે કોર્પોરેશન અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાહિર હુસૈન જાન્યુઆરીથી નિગમની બેઠકોમાં સતત ગેરહાજર રહ્યાં હતા. આ સમયગાળા દરમિયાન, કોર્પોરેશનની જાન્યુઆરી-ફેબ્રુઆરી, જૂન-જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 5 બેઠકો થઈ છે. પરંતુ તાહિર હુસૈન આ 5 બેઠકોમાંથી એક પણ બેઠકમાં હાજર રહ્યાં નહોતા. જે પછી, મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના નિયમ 33 (2) મુજબ નિગમની ત્રણ બેઠકોમાં કોઈપણ સૂચના વગર ગેરહાજર રહેવાને કારણે તાહિર હુસેનનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતી દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મોકલવામાં આવી છે.
મહત્વનું છે કે, તાહિર હુસૈનની સદસ્યતા સમાપ્ત કરવા માટે, દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવિણ શંકર કપૂર સહિતના ઘણા નેતાઓએ આ માટે અવાજ ઉઠાવ્યો હતો. પ્રવીણ શંકર કપૂરે પૂર્વી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર નિર્મલ જૈનને પત્ર લખીને તાહિર હુસૈનનું સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી. કારણ કે, તાહિર હુસેનનું નામ દિલ્હી રમખાણોના ઘણા કેસોમાં ચાર્જશીટમાં સામે આવ્યું છે.