અયોધ્યાઃ રામ નગરીમાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. જેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીના હાથે થવાનો છે. એવામાં અયોધ્યા વિવાદ સાથે જોડાયેલી થોડી યાદ તાજા થઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ઘણા કારસેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત કારસેવકોએ રામ જન્મભૂમિ પરિષદના મુખ્ય દ્વારે હનુમાનજીની પ્રતિમાને સંકલ્પ સાથે દશરથ ગાદી પર રાખી હતી.
રામનગરીમાં કનક ભવનથી થોડે દૂર સ્થિત દશરથ ગાદી મહેલ છે. જે અયોધ્યાનું વિશિષ્ટ સ્થળ છે. એક માન્યતા મુજબ, ત્રેતા યુગમાં અવધ રાજા દશરથ અહીંથી જ ન્યાય કરતા હતા. વર્ષ 1992માં જ્યારે બાબરી ધ્વંસ બાદ રામ જન્મભૂમિ પરિસર સમતલ કરવામાં આવ્યું, ત્યારે શ્રી રામ જન્મભૂમિના મુખ્ય દ્વાર પર સ્થિત બજરંગ બલીની પ્રતિમાને કારસેવકોએ દશરથ ગાદીમાં રાખી હતી. ત્યારબાદ કારસેવકોએ મંદિર નિર્માણ સમયે પ્રતિમાની ઉભી કરવાનો સંકલ્પ કર્યો હતો.
9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ભગવાન રામના જન્મ સ્થળ પર રામ મંદિરનો માર્ગ મોકળો થયો હતો. ત્યારબાદ ટ્રસ્ટે 5 ઓગસ્ટ 2020ના રોજ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેથી હનુમાનનો સંકલ્પ પણ પૂર્ણ થશે. આડી પડેલી હનુમાનજીની પ્રતિમાને રામ મંદિર નિર્માણ સમયે ઉભી કરવામાં આવશે.