ન્યૂઝ ડેસ્ક: વિશ્વ આખું હજી પણ કોરોના મહામારીએ લીધેલા ભરડામાં ભીંસાઇ રહ્યું છે અને તેમાંથી બહાર નિકળવાના ઉપાયો ખોળી રહ્યું છે, ત્યાં વધુ એક ફ્લૂની બિમારીએ ભારતીય નાગરિકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે. બર્ડ ફ્લૂ અથવા તો એવિયન ઇન્ફ્લ્યુએન્ઝાના કેસો વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં મોતને ભેટતાં પક્ષીઓની કાળજું કંપાવી દેતી તસવીરો વાઇરલ થઇ રહી છે. પરંતુ શું બર્ડ ફ્લૂ કોરોના જેટલી જ ગંભીર બિમારી છે? શું તે જીવલેણ નીવડી શકે છે? આ વિશે વધુ જાણકારી મેળવવા માટે ETV ભારત સુખીભવની ટીમે કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ અને DNB (પલ્મોનરી મેડિસિન) તથા કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ ડો. પ્રદીપ કિરણ પાંચાડી સાથે વાતચીત કરી હતી.
બર્ડ ફ્લૂ એટલે શું અને તે કેવી રીતે ફેલાય છે?
ડો. પ્રદીપ સમજાવે છે કે, એવિયન ઇન્ફ્લ્યુએન્ઝા (AI) અથવા તો બર્ડ ફ્લૂ એ પક્ષીઓમાં જોવા મળતો એક ચેપી ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસ છે, જે વન્ય જળચર પક્ષીઓને, ખાસ કરીને બતક કે હંસને સંક્રમિત કરે છે. તે વન્ય પક્ષીઓમાંથી મરઘાં, બતક, હંસ વગેરે જેવાં પોલ્ટ્રી સહિતનાં પાલતૂ પક્ષીઓમાં ફેલાય છે. સામાન્યપણે આ વાઇરસ લાળ, કફ કે પક્ષીઓની ચરક દ્વારા એક પક્ષીમાંથી બીજા પક્ષીમાં પ્રસારિત થતો હોય છે. આ વાઇરસથી માનવી ભાગ્યે જ સંક્રમિત થાય છે અને વાઇરસ પક્ષીઓને જ તેમનું નિશાન બનાવતો હોય છે. તેમ છતાં, પ્રથમ માનવીય સંક્રમણ સામાન્યતઃ પોલ્ટ્રી ફાર્મર્સમાં થતું હોય છે, જ્યાં તેઓ ગ્લવ્ઝ કે માસ્ક જેવી રક્ષણાત્મક ચીજો પહેર્યા વિના જ બિમાર પક્ષીઓની ચરક, સ્રાવ, વગેરે સાફ કરે છે. જો પક્ષીમાં રહેલો વાઇરસ અત્યંત રોગજનક હોય, તો જ માનવી તેનો શિકાર બને છે, અન્યથા આ વાઇરસ પક્ષીઓ પૂરતો જ સીમિત રહે છે.
બર્ડ ફ્લ્યૂ - HPAI A(H5N1) વાઇરસનો પ્રથમ રોગચાળો 1997માં ચીનમાં નોંધાયો હતો. પરંતુ, તમામ પ્રકારના AI વાઇરસ માનવી પર અસર ઉપજાવતા નથી. માનવીમાં ગંભીર ઇન્ફેક્શનનું નિમિત્ત બનતા જોવા મળેલા બે મુખ્ય વાઇરસમાં A(H5N1) અને A(H7N9)નો સમાવેશ થાય છે. માનવ સમુદાયને પ્રભાવિત કરનારા અન્ય પ્રકારના વાઇરસમાં H7N3, H7N7 અને H9N2નો પણ સમાવેશ થાય છે.
બર્ડ ફ્લૂનાં લક્ષણો અને સર્જાતી શારીરિક તકલીફો
ડો. પ્રદીપ જણાવે છે કે, બર્ડ ફ્લૂનાં લક્ષણો અન્ય ફ્લૂ જેવાં જ હોય છે. જો કોઇ વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત થાય, તો તેનામાં નીચે મુજબનાં લક્ષણો જણાઇ શકે છેઃ
- શરદી
- નાક વહેલું
- તાવ આવવો
- છીંકો આવવી
- ગળામાં ખરાશ
- કફ
- કળતર થવી
ગંભીર કેસોમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. સંક્રમણની પ્રક્રિયા ગંભીર સ્વરૂપ ધારણ કરે, ત્યારે વ્યક્તિ ન્યૂમોનિયા, શ્વસન તંત્રને ગંભીર નુકસાન પહોંચવું અને મલ્ટિપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ (MODS) વગેરે જેવી સમસ્યાઓથી પીડાઇ શકે છે, જેમાં શ્વસન તંત્ર સિવાયનાં અન્ય અંગોને વાઇરસ નુકસાન પહોંચાડે છે. પરંતુ, આટલાં ગંભીર પરિણામો જન્માવતો બર્ડ ફ્લૂ એટલો સામાન્ય નથી. “સંક્રમિત કેસોની સંખ્યા 600-1000 હોઇ શકે છે, પણ તેના કારણે નીપજતા મૃત્યનો આંકડો 100થી ઓછો હોય છે, જેના આધારે આપણે કહી શકીએ કે, તે હાલની કોરોના મહામારી જેટલો ઘાતક નથી.”
તેને કેવી રીતે નિવારી શકાય?
રોગમાંથી સાજા થવા કરતાં રોગ થવા ન દેવો એ જ બહેતર છે, ત્યારે બર્ડ ફ્લૂને પણ ઘણી રીતે નિવારી શકાય છે. અમારા નિષ્ણાતે આ માટે નીચે મુજબ સમજૂતી આપી છેઃ
આઇસોલેશન – સરકારને બર્ડ ફ્લૂનાં ચિહ્નો અને લક્ષણો માલૂમ પડે, તે સાથે જ તેણે પોલ્ટ્રી ફાર્મ જેવાં સ્થળોએ જ્યાં પક્ષીઓ મૃત મળી આવ્યાં હોય, તેના એક કિલોમીટર સુધીના વિસ્તારને આઇસોલેટ કરી દેવો જોઇએ, જેથી વાઇરસ શહેરમાં વધુ ન પ્રસરે.
કતલ – કતલનો અર્થ થાય છે સંભવતઃ સંક્રમિત પક્ષીને મારી નાંખવું, જેથી સંક્રમિત થવાનું ઊંચું જોખમ ધરાવતાં અન્ય તંદુરસ્ત પક્ષીઓને બચાવી શકાય.
ક્વોરન્ટાઇન- જો કોઇ વ્યક્તિમાં અને ખાસ કરીને આવાં પક્ષીઓના સંપર્કમાં હોય તેવી વ્યક્તિમાં ફ્લૂ જેવાં લક્ષણો જણાય, તો તે વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવી જોઇએ.
રસીકરણ- માનવો માટે બર્ડ ફ્લૂની રસી હજી સુધી ઉપલબ્ધ નથી. જ્યારે, પક્ષીઓમાં આ રસીકરણ નિયમિત ધોરણે હાથ ધરવામાં આવે છે, પરંતુ તેનાં પરિણામો સંતોષકારક નથી.
રસોઇને યોગ્ય રીતે રાંધવી – ઉલ્લેખનીય છે કે, ચિકન, માંસ, ઇંડાં વગેરે જેવાં પોલ્ટ્રીમાંથી મળતા પદાર્થોમાંથી કોઇ સંક્રમણ ન થાય, તે માટે તેમને યોગ્ય રીતે બાફવાં કે રાંધવાં જોઇએ.
સારવાર
ડો. પ્રદીપ જણાવે છે કે, વર્તમાન સમયમાં બર્ડ ફ્લૂની સારવાર માટે ચાર દવાઓ ઉપલબ્ધ છે, જે નીચે પ્રમાણે છેઃ
ઓસેલ્ટામિવીર
ઝેનામીવીર
પેરામીવીર
બોલેક્ઝાવીર માર્બોક્ઝિલ (નવી દવા)
આમ, ઉપર જણાવેલાં લક્ષણો દેખાય અને તમને વાઇરસના સંપર્કમાં આવ્યા હોવ તેવું લાગે, તે સાથે જ તાત્કાલિકપણે ડોક્ટરનો સંપર્ક સાધવો જોઇએ. પોતાની મેળે દવા શરૂ ન કરશો. આ દવાઓ સ્વાઇન ફ્લૂના ઉપચાર માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
સંક્રમિત થયાના બે દિવસની અંદર જ સારવાર શરૂ થઇ જવી જોઇએ. હળવા કેસોમાં વ્યક્તિ સાજી થઇ શકે છે. પરંતુ ગંભીર સંક્રમણના કિસ્સામાં 8થી 12 દિવસમાં વ્યક્તિ મોતને ભેટી શકે છે.
કોવિડ-19 અને બર્ડ ફ્લૂ
કોરોનાવાઇરસ સંક્રમિત થયેલા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે. આથી, લોકોમાં બર્ડ ફ્લૂનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. વળી, કોરોનાના દર્દીઓમાં બર્ડ ફ્લૂના વાઇરસથી સંક્રમિત થવાની શક્યતા ઘણી જ વધી જાય છે. ડો. પ્રદીપ જણાવે છે કે, વિજ્ઞાનીઓને હવે એન્ટિજેનિક શિફ્ટની ચિંતા સતાવી રહી છે, અર્થાત્ કોરોનાનો અને બર્ડ ફ્લૂનો, બંને વાઇરસ ભેગા થઇને એક નવો પેટાપ્રકાર રચી શકે છે, જે ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે.