નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, તલિબીગી જમાતની પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાના કારણે 35 દેશોના 2,700થી વધુ વિદેશી નાગરિકોને દસ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાના સરકારના આદેશ સામેની અરજીની સુનાવણી 24 જુલાઈએ કરવામાં આવશે. જસ્ટિસ એ.એમ. ખાનવિલ્કરની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલો વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી માટે આવ્યો હતો.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આ મામલાની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખવા વિનંતી કરી હતી. ખંડપીઠે મહેતાની વિનંતી સ્વીકારી અને તેને 24 જુલાઇ માટે સૂચિબદ્ધ કરી હતી. થાઇલેન્ડની સગર્ભા સ્ત્રી સહિત 34 વિદેશી નાગરિકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આ અગાઉ 2 જુલાઈએ સુનાવણી દરમિયાન કેન્દ્ર દ્વારા આ અરજીઓ રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. કેન્દ્રએ દાવો કર્યો હતો કે, તેમણે 2,765 વિદેશી નાગરિકોના વિઝા રદ કરવા અને તેમને બ્લેક લિસ્ટમાં રાખવાનો આદેશ આપ્યા હતા.