રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના લેહાવાંટ ગામના ૪ આસામ રાઈફલમાં સેવારત આદિવાસી યુવાન લીલેસિંગ રાઠવાને તેણે દર્શાવેલા સાહસ અને શૌર્યને પગલે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 15 નવેમ્બર 2017ના રોજ મણીપુરના ચંડેલ જિલ્લાના શાજીત્તામ્બક ખાતે એક રોડના ઉદ્ઘાટન સમારોહમાં ફરજ પર હતા ત્યારે અચાનક વિદેશી આંતકીઓના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.
આ ઓપરેશનમાં તેમના બે સાથીઓને આતંકવાદીઓની ગોળી લાગી હતી. જેથી પોતાના બન્ને સાથીઓને બચાવતા લીલેસિંગ રાઠવાએ એકલા હાથે સતત કવર ફાયરીંગ કરી હતી. લીલેશસિંગ રાઠવાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. લીલેસિંગના આ સાહસને લઇ 15 ઓગષ્ટના રોજ તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
તેથી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરી સન્માનિત કરાવામાં આવ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત વડાપ્રધાન મોદીએ સમારોહ સમાપ્ત થયા બાદ લીલેસિંગ રાઠવા સાથે વાતચીત કરી હતી અને તેમના સાહસને બિરદાવ્યો હતો. સામાન્ય ગરીબ આદિવાસી પરિવારના લીલેશ રાઠવાને મળેલા શૌર્ય ચક્રને લઇ લીલેસિંગના પરિવાર જનો સહીત સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.