નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભારત-ચીન તણાવ અંગે મીડિયા સાથે વાત કરી હતી. સુરજેવાલાએ કહ્યું કે, ચીની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલામાં દેશના ઉચ્ચ સૈન્ય અધિકારી સહિત 20 જવાનોની શહાદત સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી છે,
સુરજેવાલાએ કહ્યું કે, સમગ્ર દેશને આપણા બહાદુર જવાનો પર ગર્વ છે, જેમણે પોતાનું બલિદાન આપ્યું છે અને ભારતની રક્ષા કરી છે. અમને ભારતના હિંમતવાન સૈનિકો પર ગર્વ છે, જેઓ હજી દુશ્મનોનો સામનો કરી રહ્યાં છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે ચીની સેનાની આ હિંમત અંગે મૌન ધારણ કર્યું છે. દેશને અપેક્ષા નહોતી કે સરકારના મૌનનું પરિણામ આટલું ખતરનાખ આવશે. કેન્દ્રની ભાજપ સરકારની ભૂલો અને નિષ્ફળતાને કારણે દેશને સૈનિકોની શહાદતનો આ દુઃખદ અને પીડાદાયક દિવસ જોવો પડ્યો.
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને બધા વિપક્ષો કેન્દ્ર સરકારને વારંવાર વિનંતી કરતા રહ્યાં, ચેતવતા રહ્યાં હતાં. કોંગ્રેસે સતત સવાલો કર્યા કે, સરહદ પર સ્થિતિ શું છે?, ચીની સેના આપણી સીમામાં ક્યાં સુધી પ્રવેશી છે?, પરંતુ બેદરકાર અને નિષ્ફળ સરકાર રાજકીય ચૂંટણીની લડાઇ, વિપક્ષની સરકારોને પછાડવા અને દેશની સરહદના સત્યને છુપાવવામાં વ્યસ્ત છે. દુ: ખની વાત એ છે કે કેન્દ્રની ભાજપ સરકારની પ્રાથમિકતા દેશની નહીં પરંતુ પોતાની પાર્ટીની શક્તિ વધારવાની છે.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે, ગલવાનમાં સૈનિકો ગુમવવા તે ખૂબ જ હેરાન કરનારી અને દુ:ખદ બાબત છે. આપણા સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાને નિભાવતા તેમના જીવનનું બલિદાન આપ્યુું છે. રાષ્ટ્ર તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલશે નહિ. મારી સંવેદનાઓ શહીદ થનાર સૈનિકોના પરિવારોની સાથે છે. રાષ્ટ્ર આ કપરા સમયમાં તેમની સાથે છે. અમને ભારતના વીરોની વીરતા અને સાહસ પર ગર્વ છે.
આ પહેલા રાહુલે ટ્વીટ કર્યું હતું કે, વડાપ્રધાન તમે ક્યાં છો? તમે શા માટે સંતાયા છો? હવે બઉં થયું. અમારે જાણવું છે કે થયું શું છે? આપણા સૈનિકોને મારવાની ચીનની હિંમત કેવી રીતે થઈ? ચીન આપણી જમીન પર કબ્જો કરવાની હિંમત કેવી રીતે કરી શકે છે? બીજી બાજુ દિગ્વિજયે ટ્વીટ કરીને મોદીની વિદેશ યાત્રા કેટલી સફળ રહી છે, તેનું પ્રમાણ આપ્યું હતું. દિગ્ગીએ કહ્યું કે, વડાપ્રધાન નિવેદનબાજીઓને બાદ કરતા દરેક ક્ષેત્રમાં નિષ્ફળ નિવડ્યા છે.
મહત્વનું છે કે, ગલવાન ઘાટીમાં સોમવાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. જેમાં યૂનિટ કમાન્ડિંગ ઓફિસર સામેલ છે. આ ગલવાન ઘાટીમાં 1962ના યુદ્ધમાં 33 ભારતીયોના જીવ ગયા હતા. જો કે, ચીનના 40 સૈનિકો માર્યા ગયા હોવાના પણ સમાચાર છે.