કોરોના સંકટ સંબંધમાં સુપ્રીમ કોર્ટે આપેલા વિવિધ ચુકાદાઓ
કોરોનાનું સંક્રમણ ભારતમાં ફેલાયા બાદ સરકાર સફાળી જાગી હતી. ત્યારબાદ એક પછી એક પગલાં લેવાયાં, પણ તેના કારણે પ્રજાની મુશ્કેલીઓમાં વધારો જ થતો ગયો. લૉકડાઉન કરાયું તે પણ કોઈ જાતના આયોજન વિના કરી દેવાયું હતું. લૉકડાઉન દરમિયાન નાગરિકોએ સહકાર આપ્યો, પણ તે દરમિયાન જે તૈયારીઓ તંત્રએ કરવાની હોય અને આરોગ્યની સુવિધા વધારવાની હોય તે કામ પણ થયું નહીં. દરમિયાન રોજમદારોને અટકાવી રખાયા તેના કારણે મોટી આપત્તિ ઊભી થઈ હતી. તેમને વતન પહોંચાડવાની કોઈ વ્યવસ્થા સરકારે કરી નહીં.
આ બધી સ્થિતિ વચ્ચે સંક્રમણ વધતું રહ્યું. હતો. સાથેસાથે હવે અદાલતમાં પણ મુકદ્દમા થવા લાગ્યા, કેમ કે જનતાની મુશ્કેલીઓના ઉકેલમાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયેલું જણાતું હતું. આવા કેટલા કેસ અદાલતોમાં થયા અને તેનું શું પરિણામ આવ્યું તેના પર એક નજર કરીએ.
કોવીડ-19ના દર્દીઓ માટે યોગ્ય સારવાર અને મૃતદેહોનું સન્માન જાળવવા માટે સુઓ મોટો રિટ પિટિશન
Suo Motu Writ Petition (Civil) No. 7 of 2020 (Dated 18/12/2020).
સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે આરોગ્યના અધિકારમાં પરવડે તેવા દરે સારવાર મળે તેનો સમાવેશ થઈ જાય છે. જસ્ટિસીઝ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું કે બંધારણની 21મી કલમ હેઠળ આરોગ્યનો અધિકાર મૂળભૂત અધિકાર છે. તે અધિકારમાં પરવડે તેવા દરે સારવારની બાબતનો સમાવેશ થઈ જાય છે. તેથી રાજ્યની જવાબદારી બને છે કે નાગરિકોને વાજબી દરે સારવાર મળી રહે તેવી સુવિધા કરે.
કોરોના સંકટ વચ્ચે સારવાર અઘરી અને મોંઘી બનવા લાગી ત્યારે આવા ચુકાદાની જરૂર હતી. કેટલીક હોસ્પિટલોમાં લાખો રૂપિયાની તગડી ફી પડાવવામાં આવતી હતી. કોવીડ-19માંથી માણસ સાજો તો થઈ જાય, પણ આર્થિક રીતે ખુવાર થઈ જાય તેવું થયું હતું.
આ બેન્ચે રાજકોટની કોવીડ હોસ્પિટલમાં આગ લાગી તે પછી સૂઓ મોટો નોંધ લઈને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અને સ્થાનિક વહિવટી તંત્રે કાળજી લેવી જરૂરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સારવારની ફી પર મર્યાદા મૂકવી જોઈએ. સાથે જ દરેક કોવીડ હોસ્પિટલ માટે એક નોડલ ઓફિસર મૂકવા માટે જણાવાયું હતું. ફાયર સેફ્ટી માટે પણ જવાબદાર અધિકારી નક્કી કરવા અને ફાયર ઑડિટ કમિટીની રચના દરેક જિલ્લામાં કરવા સૂચના અપાઈ હતી.
જે કોવીડ હોસ્પિટલોએ ફાયર વિભાગ પાસેથી NOC મેળવેલું ના હોય તો રાજ્ય સરકારે તે માટે પગલાં લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એમ સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું.
કોવીડની સારવાર માટે હોમિયોપથી
Civil Appeal No. 4049 of 2020 (Dated 15/12/2020).
આ જ ન્યાયમૂર્તિઓની બેન્ચે અન્ય કેસમાં જણાવ્યું હતું કે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે હોમિયોપથી તબીબો કોવીડ-19ની સારવાર કરી શકે છે. જોકે તબીબી સેવા માટે જાહેરખબર કરવાની મનાઈ હોય છે, ત્યારે હોમિયોપથી પ્રેક્ટિસ કરનારા કોવીડ-19ની સારવાર માટે જાહેરખબર કરી શકે નહિ.
આ બાબતમાં કેરળ હાઈ કોર્ટે કેટલાક નિરિક્ષણો કર્યા હતા તેમાં સુધારા કરીને અદાલતે જણાવ્યું કે આયુષ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે હોમિયોપથીથી કોવિડ-19ની સારવાર કરી શકાય છે. જોકે કોઈ પ્રેક્ટિશનર એવો દાવો ના કરી શકે કે હોમિયોપથીથી કોવીડ-19 વાઇરસ દૂર થઈ જાય છે.
કોવીડ દર્દીના ઘરની બહાર પોસ્ટરની સત્તા માત્ર તંત્રને
(Civil) No. 1213 of 20 (Dated 09/12/2020).
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ હેઠળ યોગ્ય સત્તા હોય તે જ તંત્ર કોવીડ-19 દર્દીના ઘરની બહાર પોસ્ટર મારી શકે તેમ આ ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે જણાવ્યું હતું. રાજ્ય સરકારોને પોતાની રીતે તેનો હક નથી.
આરોગ્ય મંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ 2005 હેઠળ કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી હતી તે પ્રમાણે કોવીડ-19 દર્દીઓના ઘરની બહાર પોસ્ટરો લગાવવાની કોઈ જરૂર નથી.
કામદારોનો જીવનનો અધિકાર રોજગારદાતા કે રાજ્ય પર આધારિત ના હોઈ શકે
(Civil) No. 708 of 2020 (Dated 01/10/2020).
ન્યાયમૂર્તિઓ ડી. વાય. ચંદ્રચૂડ, ઇન્દુ મલ્હોત્રા અને કે. એમ. જોસેફની બેન્ચે જણાવ્યું કે અર્થતંત્ર માટે આધારભૂત કામદારોના માથે આર્થિક નુકસાનીનો બોજ નાખી શકાય નહિ. ફેક્ટરીઝ ઍક્ટની કલમ 5નો ઉપયોગ કરીને કામની માનવીય સ્થિતિ અને ઓવરટાઇમ માટે યોગ્ય વળતરને નકારી શકાય નહિ.
રોગચાળાના કારણે ફેક્ટરીઝ ઍક્ટના નિયમોનું પાલન કરવામાંથી કોઈ એકમને મુક્તિ મળી શકે નહિ. ગુજરાત મઝદૂર સભાએ કરેલી અરજીના સંદર્ભમાં બેન્ચે જણાવ્યું કે લાયક કામદારોને યોગ્ય ઓવરટાઇમ આપવો જરૂરી છે.
31 ઑગસ્ટ સુધી એનપીએ જાહેર ના થઈ હોય તેની મુદત લંબાવવા માટે
(Civil) No. 825/2020 (Dated 03/09/2020).
31 ઑગસ્ટ સુધી જે લોન ખાતું એનપીએ જાહેર ના થયું હોય તેને આગળના હુકમ સુધી એનપીએ ના ગણવા માટે ન્યાયમૂર્તિઓ અશોક ભૂષણ, આર. ભૂષણ રેડ્ડી અને એમ. આર. શાહની બેન્ચે આદેશ આપ્યો હતો.
કોવીડ-19ને કારણે લોનની ચૂકવણીમાં અને તેના પરના વ્યાજમાં રાહત આપી હતી તે સંદર્ભમાં થયેલી અરજીના અનુસંધાને અદાલતે આવો હુમક આપ્યો હતો. આ અંગેનો આખરી ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.
પીએમ કેર ફંડમાં એકઠું થયેલું દાન એનડીઆરએફમાં નાખવાની જરૂર નથી
(Civil) No. 546 of 2020 (Dated 18/08/2020).
આ જ ન્યાયમૂર્તિઓની બેન્ચે પીએમ કેર્સ ફંડમાં એકઠી થયેલી દાનની રકમ નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડ (NDRF)માં ટ્રાન્સફર કરવા માટેની માગણી નકારી દીધી હતી. NDRF અને પીએમ કેર્સ ફંડ બંને અલગ છે અને તેમના હેતુઓ અલગ છે. બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર સરકાર કોવીડ-19માં રાહત માટે NDRFના ફંડનો ઉપયોગ કરી શકે છે. નવી ગાઇડલાઇન પ્રમાણે આ માટેનું ફંડ રાજ્ય સરકારોને આપી શકાય છે.
પીએમ કેર્સ ફંડમાં સ્વેચ્છાએ ફાળો આપવાનો હોય છે અને તેથી તે ફંડ તદ્દન અલગ છે. તે ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમાણેનું ફંડ છે તેથી તેને NDRFમાં નાખવાની જરૂર નથી.
CBSE અને ICSE પરીક્ષાઓ રદ કરવામાં આવી
(Civil) No. 566 of 2020 (Dated 26/06/2020)
CBSE દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ રદ કરવામાં આવી તે નિર્ણયને ન્યાયમૂર્તિઓ એ. એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેન્ચે માન્ય રાખ્યો હતો. આ નિર્ણય અંગે CBSE તરફથી એફિડેવિટ દાખલ કરીને ખુલાસો કરાયો હતો.
એ જ રીતે CISCE તરફથી બેન્ચ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ICSE પરીક્ષાઓ રદ કરાઈ છે અને તેમના તરફથી એસેસમેન્ટ સ્કીમ રજૂ થશે. તેને ધ્યાનમાં લઈને આ અંગેની અરજી તથા હાઈ કોર્ટ્સમાં પેન્ડિંગ આવી અરજીઓનો સુપ્રીમ કોર્ટે નિકાલ કર્યો હતો.
કોવીડ-19 ટેસ્ટનું રિઝલ્ટ દર્દી કે તેમના સગાને આપવું જરૂરી
(Civil) No. 7/2020 (Dated 19/06/2020).
ન્યાયમૂર્તિઓ અશોષ ભૂષણ, સંજય કિશન કૌલ અને એમ. આર. શાહની બેન્ચે રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો કે કોવીડ-19 માટે ટેસ્ટ કરવામાં આવે તેનું રિઝલ્ટ દર્દીઓ, તેના સગાઓ અને હોસ્પિટલોને આપવું જરૂરી છે. આ માટે જરૂરી આદેશો કરવા માટે કેન્દ્ર સરકાર, આરોગ્ય મંત્રાલય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને પણ જણાવાયું હતું.
સાથે જ કોવીડ-19ના ટેસ્ટ અને સારવાર માટે વાજબી ફી લેવામાં આવે તે માટે પણ આદેશો આપવા કેન્દ્ર સરકારને જણાવાયું હતું.
રોજમદારોને તેમની સમસ્યામાં રાહત આપવા માટે
Suo Moto Writ Petition (Civil) No(s). 6/2020 (Dated 09/06/2020).
ન્યાયમૂર્તિઓ અશોક ભૂષણ, સંજય કિશન કૌલ અને એમ. આર. શાહની બેન્ચે સૂઓ મોટો નોંધ લઈને દયનીય સ્થિતિમાં મૂકાઇ ગયેલા રોજમદારો માટે વિવિધ આદેશો આપ્યા હતા. ફસાઇ ગયેલા રોજમદારોની કાળજી લેવા તથા તેમને વતનમાં મોકલવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેના આદેશો સત્તાધીશોને આપવામાં આવ્યા હતા.
વતન જવા માગતા કામદારો માટે 171 સિવાય વધુ શ્રમિક ટ્રેનો દોડાવવા રેલવે મંત્રાલયને જણાવાયું હતું. કામદારોને વતન મોકલવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની વિગતો પણ રાજ્ય સરકારો પાસેથી માગવામાં આવી હતી. વતન પહોંચેલા કામદારોની વિગતો નોંધી રાખવા, તેમને સુવિધા આપવા, લાયકાત પ્રમાણે રોજગારી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા સહિતના આદેસો પણ સુપ્રીમ કોર્ટે કર્યા હતા.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફતમાં કોવીડ-19 ટેસ્ટ
(Civil) Diary No(s). 10816/2020, I.A. No. 48265/2020 (Dated 13/04/2020).
ન્યાયમૂર્તિઓ અશોક ભૂષણ અને એસ. રવિન્દ્ર ભટની બેન્ચે આદેશ આપ્યો હતો કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાયક લાભાર્થીનો કોવીડ-19 ટેસ્ટ મફતમાં કરવો જોઈએ. તેમ જ આર્થિક રીતે નબળા વર્ગના લોકોના ટેસ્ટ મફતમાં થવા જોઈએ. કયા વર્ગના લોકોને મફતમાં ટેસ્ટ કરવા જોઈએ તેની યાદી તૈયાર કરવા માટે આરોગ્ય મંત્રાલયને જણાવ્યું હતું.
રોગચાળા દરમિયાન વીડિયો કૉન્ફરન્સિંગથી અદાલતી કાર્યવાહી
Suo Moto Writ Petition (Civil) No. 5/2020 (Dated 06-04-2020).
મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે તથા જસ્ટિસ ચંદ્રચૂડ અને એલ. નાગેશ્વર રાવની બેન્ચે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટોએ યોગ્ય પગલાં લઈને અદાલતમાં ઓછામાં ઓછા લોકોએ હાજર રહેવું પડે તેવું કરવું. વીડિયો કૉન્ફરન્સની મદદથી કાર્યવાહી કરવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરવા માટે જણાવાયું હતું. દરેક રાજ્યમાં જિલ્લા અદાલતોએ પણ વીડિયો કૉન્ફરન્સથી કામગીરી કરવી જોઈએ તેમ જણાવાયું હતું. જે અરજદારો પાસે સુવિધા ના હોય તેમને વીડિયો કૉન્ફરન્સની સુવિધા પૂરી પાડવા માટે પણ જણાવાયું હતું.
ઓબ્ઝર્વેશન હોમમાં બાળકોને ચેપ લાગે તે માટે કાળજી લેવા
(Civil) No. 4/2020 (Dated 03/04/2020).
ઓબ્ઝર્વેશન હોમમાં તથા ફોસ્ટર કેરમાં રહેલા તથા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટના બાળકોને કોરોના ચેપ ના લાગે તે માટે કાળજી લેવા ન્યાયમૂર્તિઓ એલ. નાગેશ્વર રાવ અને દીપક રાવની બેન્ચે આદેશ આપ્યો હતો. ચાઇલ્ડ વેલફેર કમિટીઝને ટેલિફોન મારફતે બાળકોની ખબર જાણવા જણાવાયું હતું. આ માટે સંસ્થાઓને જે જરૂરી હોય તેની વ્યવસ્થા માટે પણ આદેશ અપાયો હતો.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને બાળ અદાલતોને પણ જણાવાયું હતું કે ઓનલાઇન વીડિયોથી કાર્યવાહી કરવી અને શક્ય હોય ત્યાં સુધી બાળ આરોપીઓને જામીન આપવા. કેસના ઝડપી નિકાલ માટે વીડિયો કૉન્ફરન્સથી કાર્યવાહી કરવી. રાજ્ય સરકારોને આદેશ અપાયો હતો કે વેલફેર કમિટીના ચાર્જમાં હોય તેની સાથે સંકલન સાધીને કાર્યવાહી કરવી.
રોગચાળાને ધ્યાનમાં લઈને જે પગલાં લેવા પડે તે માટે જરૂરી બજેટ પણ વિભાગોને ફાળવવામાં આવે તેની કાળજી લેવા પણ સરકારોને જણાવાયું હતું.
કેદીઓને પેરોલ કે વચગાળાના જામીન પર છોડવા હાઇ પાવર કમિટીની રચના
Suo Moto Writ Petition (C) No. 1/2020 (Dated 23/03/2020).
મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે તથા જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને સૂર્ય કાંતની બેન્ચે આદેશ આપ્યો હતો કે જેલોમાં અંડરટ્રાયલ કેદીઓ વચ્ચે રોચચાળો ના ફેલાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. અંડરટ્રાયલ કેદીઓને અદાલતમાં હાજર કરવાની પ્રક્રિયા પણ અટકાવા જણાવાયું હતું, જેથી ચેપ ફેલાય નહિ. તેના બદલે વીડિયો કૉન્ફરન્સથી કામગીરી કરવા જણાવાયું હતું.
કેદીઓને એકથી બીજી જેલમાં ના મોકલવા, તબીયતની કાળજી લેવી અને કોને જામીન આપી શકાય છે તે નક્કી કરવા હાઇ પાવર્ડ કમિટીની રચના કરવા માટે રાજ્ય સરકારોને જણાવાયું હતું. કયા કેદીઓને પેરોલ કે કામચલાઉ જામીન આપી શકાય છે તે નક્કી કરવા માટે કમિટીને જણાવાયું હતું. સાત વર્ષ કે તેનાથી ઓછી કેદની સજા હોય તેવા કેસમાં જામીન માટે વિચારવા માટે ભલામણ કરાઈ હતી.
SOURCE: LIVELAW.IN