રવિવારે સાંજે દિલ્હીની બાબરપુર બેઠક પર ચૂંટણી સભા દરમિયાન 21 વર્ષના એક વિદ્યાર્થીએ નાગરિક્તા સંશોધન કાયદાની વિરૂદ્વમાં ગૃહપ્રધાન અમિત શાહના ભાષણ દરમિયાન જ નારા લગાવવાનું શરુ કર્યુ હતું. જેથી ઉશ્કેરાયેલા ભાજપના કાર્યકરો તેની ઉપર તુટી પડ્યા હતાં.
અમિત શાહે સ્ટેજ પરથી મારપીટ જોઈ તેને છોડવવા માટે સુરક્ષા કર્મીઓને કહ્યુ હતું. તેમજ તેને છોડી દેવા કાર્યકરોને અપીલ કરી હતી. કાર્યકરોનું ધ્યાન ફરીથી કેન્દ્રીત કરવા તેમણે 'ભારત માતા કી જય' ના નારા લગાવવાનું કહ્યુ હતું.
ભાજપના કાર્યકરોએ આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીના રહેઠાણ અને પરિવારની જાણકારી મેળવી તેને છોડી દેવાયો હતો.
નારા લગાવનાર વિદ્યાર્થી દક્ષિણ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે અને દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.