નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આગેવાની હેઠળના વિરોધી પક્ષોની વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાશે. જેમાં કોરોના રોગચાળા વચ્ચે વસાહતી મજૂરોની પરિસ્થિતિ અને સરકાર દ્વારા હાલના સંકટ અને આર્થિક પેકેજથી નિવારણ માટે લેવામાં આવેલા પગલાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, સોનિયા ગાંધી વિપક્ષી દળના નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરશે. લગભગ 17 રાજકીય પક્ષો આ બેઠકમાં ભાગ લેવા સંમત થયા છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હજુ સુધી મીટિંગમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી નથી.
શુક્રવારે ત્રણ કલાકે આ બેઠક બોલાવવામાં આવી છે . 25 માર્ચથી કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે જાહેર કરાયેલા લોકડાઉન બાદ મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના ઘરે જવા માટે શહેરથી ગામ તરફ રવાના થયા હતા. તે દરમિયાન અનેક સ્થળોએ મજૂરોના અકસ્માતમાં મજૂરોનાં મોત પણ થયાં છે.
વિરોધી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે, સરકાર પરપ્રાંતિય કામદારો સાથે સંકળાયેલા આ સંકટને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે.
આ બેઠક દરમિયાન, કેટલાક રાજ્યોમાં મજૂર કાયદામાં તાજેતરના ફેરફારની પણ ચર્ચા કરવામાં આવશે. કેટલાક રાજ્યોમાં, મજૂર કાયદામાં ફેરફાર સાથે કામકાજના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે.