નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પક્ષ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના વાઇરસની મહામારી સામે લડાઇ લડવાને લઇને ચર્ચા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષે પ્રશ્ન કર્યો કે એ નક્કી કરવુ છે કે સરકારનો માપદંડ શું છે કે લોકડાઉન કેટલા સમય સુધી યથાવત રહેશે. સોનિયા ગાંધીએ રાહત પેકેજની માગ કરી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે 17 મે બાદ શું ? 17 મે બાદ કઇ રીતે થશે? ભારત સરકાર કેવો માપદંડ અપનાવી રહી છે કે લોકડાઉન કેટલુ લાંબુ ચાલશે.
બેઠકમાં પ્રવક્તાનું સમર્થન કરતા ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યુ કે, 'જેવુ કે સોનિયાજી એ કહ્યું કે આપણે એ જાણવું જરૂરી છે કે લોકડાઉન-3 બાદ શું થશે?'
બેઠકમાં ખેડૂતોને લઇને સોનિયા ગાંધીએ કહ્યુ કે 'અમે અમારા ખેડૂતોને ખાસ કરીને પંજાબ હરિયાણાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરીએ છીએ. જેઓએ તમામ મુશ્કેલી વચ્ચે પણ ઘઉનું ઉત્પાદન કરવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનિય છે કે સોનિયા ગાંધીએ સોમવારે કહ્યું હતુ કે કોંગ્રેસ સરકાર ટ્રેન દ્વારા ગયેલા પરપ્રાંતીયોનું પ્રવાસી ભાડું ચૂકવશે.