રાજીવ ગાંધીને પણ પૂર્ણ બહુમતી મળી હતી, પરંતુ ક્યારેય ડર નથી ફેલાવ્યો
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જન્મજંયતિ નિમિત્તે તેમની યાદમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પરોક્ષ રીતે નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે,1984માં બહુમતીની સરકાર બની હતી. તેમણે પોતાની સત્તાનો ઉપયોગ ક્યારેય ડર ફેલાવવા કે ધમકાવવા માટે નથી કર્યો.
રાજીવ ગાંધીએ ક્યારેય સંસ્થાઓની સ્વતંત્રતા છીનવી નથી
સોનિયાએ એમ પણ ઉમેર્યુ હતું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ક્યારેય પણ સંસ્થાઓની સ્વતંત્રતાને બુઠ્ઠી કરાવવાની અથવા તો છીનવી લેવાની કોશિશ નથી કરી. તેમણે અસહમતિ અને વિરોધી વિચારધારાની કચડવા માટે સત્તાનો ઉપયોગ નથી કર્યો. તેમણે લોકશાહી પરંપરા અને જીવનશૈલી સામે ખતરો ઉભો થાય તેવુ પણ કામ નથી કર્યુ.
આ ઉપરાંત પોતાના ભાષણમાં કહ્યુ હતું કે, હાલના સમયમાં કોંગ્રેસ સામે ઘણા પડકારો છે. પરંતુ વિભાજનકારી તાકત સામે સંઘર્ષ ચાલુ રાખવો પડશે. આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.