હૈદરાબાદઃ કોરોના વાઇરસના પ્રકોપના કારણે દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. જેથી લોકો પોતાના ઘરે જવા લાગ્યા છે. છુટક મજૂરી કરનારા મજૂર વિવિધ રાજ્યોમાંથી પગપાળા પોતાના ઘરે જવા નીકળી ગયા છે. આ કડીમાં શુક્રવારે મોડી રાત્રિએ તેલંગાણામાં અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ તેલંગાણાના શમશાબાદમાં ટ્રક અને લોરી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ તમામ મજૂર કર્ણાટકના રાયચુર જઇ રહ્યાં હતા. શમશાબાદના પોલીસ અધિકારી આર વેંકાટેશે જણાવ્યું કે, મીની ટ્રકમાં સવાર તમામ લોકો મજૂર છે. લોકડાઉન દરમિયાન બેરોજગાર બનેલા આ મજૂર પોતાના ઘરે જઇ રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદથી રેલવે અને બસને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. જેથી ઘણા શ્રમીકો પોતાના ઘરે જવા માટે હજારો કિલોમીટર પગપાળા મુસાફરી કરી રહ્યાં છે. આમાંથી ઘણા લોકો સરહદ પાર કરવામાં અસમર્થ છે અને તે ભોજન, પાણી અને વિશ્રામ વિના રસ્તામાં ફસાયા છે.