આગ્રા: તાજમહેલ માટે જાણીતું આગ્રા તેની એક વિશિષ્ટ પરંપરા માટે પણ ઓળખાય છે. આ પરંપરાના કેન્દ્રમાં છે એક ચાંદીની ચાવી.
રવિવારે આગ્રાના મેયર નવીનકુમાર જૈને પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, ' જ્યારે પણ કોઈ વ્યક્તિ વિશેષ આગ્રા શહેરનાં મહેમાન બને છે ત્યારે તેમને પ્રતિક સ્વરૂપે શહેરની ચાવી ભેટ તરીકે આપવામાં આવે છે. પરંપરા એવી છે કે, આ ચાવીની મદદથી આવેલા મહેમાન શહેરનું તાળુ ખોલી નગરમાં પ્રવેશે છે.' જો કે, આવું કોઈ તાળુ હોતું નથી પરંતુ તેવુ માની લેવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આજે આગ્રા શહેરનાં મોંઘેરા મહેમાન બનવાના છે. તેમના આગમાન સમયે મેયર દ્વારા ચાંદીની ચાવી ભેટ કરવામાં આવશે.
મેયર નવીનકુમાર જૈને ચાંદીની ચાવીની માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ ચાવી એક ફુટ લાંબી છે. તેને બનાવવામાં 600 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરાયો છે. આ ચાવી ઉપર તાજમહેલની આકૃતિ બનાવાઈ છે.