નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી. લૉકડાઉનના 21 દિવસ દરમિયાન કરિયાણાની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. કાળા બજારી ન થાય તે માટે પણ સરકારે પૂરતા પગલા લીધા છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના સંયુક્ત સંકલનથી લૉકડાઉનનું ચુસ્તપણે પાલન થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અસરકારક પગલા લેવાયા છે. કેટલીક જગ્યાએ મીડિયાકર્મીઓ અને તબીબોને એપાર્ટમેન્ટ ખાલી કરાવવાનું દબાણ થઈ હોવાની ઘટનાઓને જાવડેકરે વખોડી હતી. જનતા કરફ્યૂમાં જે રીતે લોકોએ થાળી અને તાળી વગાડી આ સેવાકર્મીઓને પ્રોત્સાહન આપ્યુ હતું તે યાદ અપાવ્યું હતુ. તેમણે કહ્યુ કે, સમાજે આ વાતને સમજવી જરૂરી છે.
પોતાના અને પોતાનાઓ માટે 21 દિવસ કાળજી રાખવા, ઘરમા રહેવા અને સામાજીક અંતર રાખવાની અપીલ જાવડેકરે કરી હતી.